રાજ્યમાં ચોમાસાના સાર્વત્રિક વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે. પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓના કેસોમાં સતત તોતિંગ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના તાજેતરના આંકડા દર્શાવે છે કે વરસાદી મોસમ બાદ સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. સોલા સિવિલમાં દરરોજ સરેરાશ 13609 જેટલી વિશાળ OPD નોંધાઈ રહી છે. જ્યારે 1253 જેટલા ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી રહી છે.
ડેન્ગ્યુના 323 શંકાસ્પદ કેસ સામે આવ્યા
વરસાદી પાણી ભરાવા અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે તાવ, ઝાડા, ઊલટી, શરદી અને ઉધરસ જેવા સામાન્ય વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં સીધો વધારો નોંધાયો છે. સૌથી વધુ માઠી અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. સોલા સિવિલ ખાતે બાળકોની રોજની OPD 100થી પણ વધુ નોંધાઈ રહી છે, જેમાં તબિયત વધુ લથડતાં 64 જેટલા બાળ દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. મચ્છરજન્ય બીમારીઓ જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયાએ પણ મોટો ઉપાડો લીધો છે. હોસ્પિટલના રિપોર્ટ અનુસાર, ડેન્ગ્યુના 323 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાંથી 33 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને તાત્કાલિક એડમિટ કરીને સારવાર શરૂ કરાઈ છે.
