અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યભરના દર્દીઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ ખાસ કરીને શિક્ષણ વિભાગ અને એસ.ટી. નિગમના મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આના પરિણામે મેડિકલ બોર્ડ પર કામગીરીનું ભારે ભારણ રહેતું હતું. આ સમસ્યાના કાયમી ઉકેલરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સોલા GMERS મેડિકલ કોલેજ ખાતે 'સ્થાયી મેડિકલ બોર્ડ' ની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સોલા GMERS માં સ્થાયી મેડિકલ બોર્ડની રચના
આ નવા બોર્ડની રચના થવાથી શિક્ષણ વિભાગના વર્ગ-3 ના કર્મચારીઓ જેવા કે શિક્ષકો અને વિદ્યાસહાયકો તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના વર્ગ-5 અને વર્ગ-4 ના કર્મચારીઓને તબીબી તપાસ કરાવવી વધુ સુલભ બનશે.સોલા GMERS નું આ મેડિકલ બોર્ડ ખાસ કરીને ગંભીર બીમારી કે તબીબી કારણોસર બદલી, કક્ષાબદલી કે નોકરી સંબંધિત તબીબી રાહત માંગતા કર્મચારીઓની ચોક્કસ શારીરિક તપાસ કરશે અને અધિકૃત રીતે ‘ફિટ’ કે ‘અનફિટ’ સર્ટિફિકેટ જારી કરશે.
