સોમનાથ ખાતે ચાલતા ત્રિવેણી ઘાટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને માનવ અધિકાર પંચ તરફથી બહુ મોટો નિર્ણય સામે આવ્યો છે.આ પ્રોજેક્ટ સામે કરવામાં આવેલી ફરિયાદને માનવ અધિકાર પંચે ફગાવી દીધી છે અને આ મામલે આગળ કોઈ હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. પંચના આ તારણ બાદ હવે સોમનાથના ડ્રીમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નિર્માણનો માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે.
સોમનાથ ત્રિવેણી ઘાટ પ્રોજેક્ટને મોટી રાહત
આ સમગ્ર વિવાદમાં રજૂ કરવામાં આવેલી ફરિયાદમાં સમાધિ ખસેડવા સહિતના મુદ્દાઓ ઉઠાવીને માનવ અધિકારનો ભંગ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી સચોટ અને મજબૂત દલીલોને પંચે ગ્રાહ્ય રાખી હતી. પંચે સ્પષ્ટપણે અવલોકન કર્યું હતું કે આ કેસમાં કોઈ પણ પ્રકારના માનવ અધિકારોનું હનન થયું નથી, તેથી આ વિષયમાં વધુ કોઈ તપાસ કરવાની જરૂર રહેતી નથી.
