પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને તેના તીર્થ પરિપથ માર્ગો પર માંસાહારી ખોરાક (નોન-વેજ) ના વેચાણ અને સંગ્રહ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ મામલે કાનૂની મોરચે મોટો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કલેક્ટરના પ્રતિબંધિત જાહેરનામાને રદ કરવાના આદેશ આપ્યાના ગણતરીના કલાકોમાં જ, રાજ્ય સરકારની તાકીદની અપીલ પર હાઈકોર્ટની બે જજોની ખંડપીઠે તે ચુકાદા પર તાત્કાલિક વચગાળાની રોક લગાવી દીધી છે. આ નિર્ણય સાથે સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યા તેમજ છ નિર્ધારિત યાત્રા માર્ગો પર માંસાહારી ખોરાક રાંધવા, સંગ્રહ કરવા કે વેચવા પરનો પ્રતિબંધ હાલ પૂરતો કાયદેસર રીતે અમલમાં રહેશે.
સરકારની ત્વરિત અપીલ અને ડિવિઝન બેન્ચનો સ્ટે
ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા કલેક્ટરના 10ઓગસ્ટ, 2026ના જાહેરનામા સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ નિશા ઠાકોરની સિંગલ બેન્ચે આ પિટિશન ગ્રાહ્ય રાખી કલેક્ટરના આદેશને રદબાતલ ઠેરવ્યો હતો.સિંગલ બેન્ચના આદેશથી મંદિર પરિસરની પવિત્રતા જોખમાય તેવી સ્થિતિ સર્જાતાં ગુજરાત સરકારે જરાય વિલંબ કર્યા વિના ચીફ જસ્ટિસ મનાશ રંજન પાઠક અને ન્યાયમૂર્તિ નિર્ઝર દેસાઈની ખંડપીઠ સમક્ષ મોડી સાંજે સ્પેશિયલ અપીલ દાખલ કરી હતી.મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજ્ય સરકારની દલીલો ગ્રાહ્ય રાખી સિંગલ જજના ચુકાદા પર રોક લગાવી દીધી હતી અને નિર્દેશ આપ્યો હતો કે કલેક્ટરનું મૂળ જાહેરનામું અમલમાં રહેશે. આ મામલે હવે ૨૬ ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
