અમદાવાદ શહેરના સરદાર પટેલ (SP) રિંગ રોડ પર સતત વધી રહેલા ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા શીલજ જંકશન પર નવો બ્રિજ બની રહ્યો છે, જેના નિર્માણ બાદ SP રિંગ રોડ પરથી ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે. આ બ્રિજ તૈયાર થવાથી અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફની કનેક્ટિવિટી પણ પહેલા કરતા વધુ સરળ અને ઝડપી બનશે.

અંદાજિત ₹120 કરોડના ખર્ચે 834 મીટર લાંબો 6 લેન ઓવરબ્રિજ

વાહનચાલકોની સુવિધા માટે અંદાજિત 120 કરોડ રૂપિયાના ખર્ચે આ વિશાળ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઓવરબ્રિજ કુલ 834 મીટર લાંબો અને 6 લેનનો હશે, તેમજ તેની પહોળાઈ 27 મીટર જેટલી રાખવામાં આવી છે. વિશાળ પહોળાઈ અને 6 લેન હોવાને કારણે પીક અવર્સ દરમિયાન જંકશન પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.

બોપલથી સાયન્સ સિટી સુધી ટ્રાફિક હળવો થશે

શીલજ જંકશન પર આ નવો બ્રિજ કાર્યરત થવાથી દરરોજ અહીંથી અવરજવર કરતા 1 લાખથી વધુ વાહનચાલકોને સીધી રાહત મળશે. ખાસ કરીને બોપલથી સાયન્સ સિટી સુધીના સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક હળવો થશે, જેના પરિણામે રોજિંદા મુસાફરો, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓના સમય અને ઇંધણ બંનેની બચત થશે.

આ પણ વાંચો: Meghraj: રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન હીરાજી ડામોરનું હાર્ટ એટેકથી નિધન, રાજકીય જગતમાં શોકની લાગણી