અમદાવાદ શહેરમાં રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા અને ભારે પવન ફૂંકાતા ઠેર ઠેર નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા દૂરદર્શન ટાવર નજીક ભારે પવનના કારણે એક મોટો સ્ટ્રીટ પોલ ધરાશાયી થયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ઘટના દૂરદર્શન ટાવર પાસેના રોડ પર બની હતી.
શહેરમાં ભારે પવનના કારણે નુકશાન
ભારે પવનના કારણે સ્ટ્રીટ પોલ તૂટીને રોડ પર પડતા આસપાસની તમામ લાઈટો બંધ થઈ ગઈ હતી. આ ઘટનાને કારણે રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે અંધકારને કારણે રસ્તા પરની વિઝિબિલિટી ઘટી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે રોડ પર પોલ પડવાથી થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.













