અમદાવાદ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મુદ્દામાલને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 848 લોકોને મોબાઈલ અને દાગીના સહિતની અંદાજે 26 કરોડની મત્તા પરત અપાઈ હતી. આ ઉપરાંત ગૃહરાજ્ય મંત્રીના હસ્તે સાયબર સાથી ચેટ બોક્સનું લોકાર્પણ કરાયું હતું. ચેટબોટ નંબર 6357446357 પણ જાહેર કરાયો હતો.
10 હજારથી લઈને 3 કરોડ સુધીની રકમ પરત અપાઈ
અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવેલા ચેટ બોક્સ નંબર પર મેસેજ કરતાં જ તાત્કાલિક માહિતી મળી જશે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, કોર્ટમાં ઝડપી ન્યાય મળે તેવી વ્યવસ્થા કરાઇ છે.10 હજારથી લઈને 3 કરોડ સુધીની રકમ પરત અપાઈ છે.સુરતમાં 8 ગણેશ મંડપમાં થયેલી ચોરીની રકમ પરત અપાવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત શહેરના 7 ઝોન, ક્રાઇમ, સાયબર, EOW, SOG એમ મળી કુલ- 848 ગુના/અરજી/જાણવા જોગ ના કામે રિકવર કરેલ 771 મોબાઇલ, 21 વાહન તથા અન્ય 70 મુદ્દામાલ અરજદારને પરત સોંપવામાં આવ્યો છે.
પોલીસ નાગરિકોની સુરક્ષા માટે વધુમાં વધુ નાઈટ કોમ્બિંગ કરે
ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સાયબર ક્રાઈમ મહત્વના ગુના ઉકેલ્યા છે. સાયબર ક્રાઈમનો ભોગ બનનાર 1930 પર ફોન કરે. હવે લોકો આ નંબર પર ફોન કરતાં એક સેકન્ડ પણ વેઈટિંગમાં નહીં રહે. ગુજરાત પોલીસ દ્વારા આગામી સમયમાં ટેલીકોલરની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જેથી લોકોને ઝડપથી પોતાની ફરિયાદ કરી શકશે. તેમણે કહ્યું હતું કે, પોલીસ નાગરિકોની સુરક્ષા માટે વધુમાં વધુ નાઈટ કોમ્બિંગ કરે.
બાપનો રસ્તો સમજીને રેસિંગ કરનારા સામે કડકાઈથી પગલા ભરો
બાપનો રસ્તો સમજીને રેસિંગ કરનારા સામે કડકાઈથી પગલા ભરો. પોલીસના હાથમાં જે દંડો છે તે લોકોની સુરક્ષા માટે છે. જ્યાં દંડો મજબૂતાઈથી ચાલ્યો છે. તેવો ગુનેગાર ફરી વખત ગુનો નથી કરતો. સામાન્ય લોકોને બતાડવા માટે નથી. અમદાવાદ શહેરમાં બની બેઠેલા દાદાઓ સામે એક્શન લો. જેથી તેઓ કોઈ સામાન્ય માણસને દાદાગીરી કરીને હેરાન ના કરે. તેમણે કહ્યું હતું કે, અમદાવાદ પોલીસને મારુ સૂચન છે કે રાતના અંધારામા કોઈ ટપોરીઓ કે અસામાજિક તત્વો નાગરીકોને હેરાન પરેશાન કરે તો તેનો હિસાબ એવો થવો જોઈએ કે તે ફરી વખત કોઈ ને પરેશાન ન કરે.