અમદાવાદના બારેજડી વિસ્તારમાં આવેલી ધવલ હોસ્પિટલ પર એક ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. એક પ્રસૂતા મહિલાનું સિઝેરિયન ઓપરેશન બાદ વધારે પડતા બ્લડ લોસ થવાને કારણે મોત નિપજ્યું હોવાનું કહેવાય છે. મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે આ મોત ડોક્ટરની બેદરકારીના કારણે થયું છે. સિઝેરિયન બાદ મહિલાની તબિયત લથડતા તેને તાત્કાલિક શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મોત છુપાવવાનો પ્રયાસ અને મૃતદેહને 6 કલાક પડ્યો રાખવાનો આક્ષેપ

મહિલાના મૃત્યુ બાદ ડોક્ટર દ્વારા મોત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. શારદાબેન હોસ્પિટલમાં જ્યારે મહિલાને મૃત જાહેર કરવામાં આવી, ત્યારે આશરે 6 કલાક સુધી તેનો મૃતદેહ હોસ્પિટલની બહાર રસ્તા પર પડ્યો રહ્યો હતો. આ ગંભીર બેદરકારી સામે પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેમણે ન્યાય માટે મૃતદેહ સાથે હોસ્પિટલની બહાર જ ધરણાં શરૂ કર્યા હતા અને જ્યાં સુધી જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.

પરિવારજનોની માંગ અને આક્રોશ

પરિવારજનોએ સ્પષ્ટ માંગણી કરી છે કે, આ ઘટના માટે જવાબદાર ડોક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાએ ફરી એકવાર ખાનગી હોસ્પિટલોમાં થતી બેદરકારીના મુદ્દાને ઉજાગર કર્યો છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે, જો સમયસર યોગ્ય સારવાર મળી હોત તો મહિલાનો જીવ બચી શક્યો હોત. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાવ્યો છે અને તબીબી વ્યવસાયની નૈતિકતા પર સવાલો ઉભા કર્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.


  • Follow us on: