અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની હાલાકીનો એક મોટો મામલો સામે આવ્યો છે. સ્પાઇસજેટ એરલાઇન્સની બાગડોગરા જતી ફ્લાઇટ અચાનક રદ્દ કરવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને એરપોર્ટ પર ભારે રોષ તેમજ હોબાળો જોવા મળ્યો હતો.
190 જેટલા મુસાફરો ટર્મિનલ-2 પર અટવાયા
મળતી માહિતી મુજબ, અમદાવાદથી બાગડોગરા જનારી આ ફ્લાઇટનો સમય બપોરે 03:20 કલાકનો હતો. સવારથી જ ફ્લાઇટ રદ થયાના સમાચાર મળતા અંદાજિત 190 જેટલા મુસાફરો ટર્મિનલ-2 ના ગેટ નંબર-5 પર ફસાઈ ગયા હતા. આ મુસાફરોમાં માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત, મહેસાણા અને જેતપુર સહિતના ગુજરાતના અન્ય વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રવાસીઓ પણ સામેલ હતા.
