અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપના માધ્યમથી નિર્દોષ લોકોને ફસાવતી એક હનીટ્રેપ ગેંગ સક્રિય થઈ હોવાનું બહાર આવ્યું છે. નકલી પોલીસ બનીને એક વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

ટિન્ડર એપ થકી વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, એક વેપારી 'ટિન્ડર' ડેટિંગ એપના માધ્યમથી એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તે યુવતીને મળવા માટે પહોંચ્યા હતા. જ્યારે વેપારી તે યુવતી સાથે બેઠા હતા, તે જ સમયે અગાઉથી જ ગોઠવાયેલા પ્લાન મુજબ નકલી પોલીસની એક ટોળકી ત્યાં ત્રાટકી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી માર માર્યો અને રુપિયા પડાવ્યા

વેપારી યુવતી સાથે હતા ત્યારે ત્રાટકેલી ગેંગે પોતાને 'અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ'ના અધિકારીઓ તરીકે ઓળખ આપી હતી. નકલી પોલીસે વેપારી પર રોફ જમાવીને તેમને બેફામ માર માર્યો હતો અને આંતરી લીધા હતા. ત્યારબાદ તેમને અલગ-અલગ જગ્યાએ ફેરવીને પોલીસ કેસ કરી દેવાની ધાકધમકી આપીને કુલ 6.40 લાખ રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લીધા હતા.

Ahmedabad News: Fake Crime Branch Extorts Rs 6.40 Lakh from Businessman in Tinder Honey Trap Case

યુવતીએ ડરના કારણે 3 લાખ પરત અપાવ્યા, પોલીસે બે આરોપી પકડ્યા

સમગ્ર ઘટના બાદ પીડિત વેપારીએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા મામલો ગરમાયો હતો. ફરિયાદના ડરથી યુવતીએ દબાણમાં આવીને તાત્કાલિક 3 લાખ રૂપિયા પરત પણ અપાવ્યા હતા. આ મામલે ભોગ બનનારા વેપારી દ્વારા વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે, અને આ હનીટ્રેપ તથા નકલી પોલીસ રેકેટ ચલાવનારા બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: Ahmedabad News: બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટ, સ્ટેડિયમ અને મેટ્રો સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ