અમદાવાદ શહેરમાંથી એક અત્યંત ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની બેંક ઓફ ઈન્ડિયાની વિવિધ શાખાઓને ઈમેઈલ મોકલીને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યો સંદેશ મળતાની સાથે જ પોલીસ બેડામાં અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ખાલિસ્તાન આર્મીના નામે મોકલવામાં આવ્યો ઈમેઈલ
મળતી માહિતી અને સામે આવેલા ઈમેઈલ મુજબ, આ ધમકીભર્યો સંદેશ 'ખાલિસ્તાન આર્મી' અને 'બબ્બર ખાલસા' જેવા સંગઠનોના નામે મોકલવામાં આવ્યો છે. ઈમેઈલમાં બેંકો ઉપરાંત અમદાવાદના અન્ય મહત્વપૂર્ણ સ્થળોને પણ નિશાન બનાવવાની વાત કહેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ આ ઈમેઈલ કોણે અને ક્યાંથી મોકલ્યો છે, તેની સાયબર ટેકનિકલ તપાસ સઘન બનાવી રહી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દિલજીત દોસાંજના કાર્યક્રમ પર નિશાન
આ ધમકીમાં સૌથી ગંભીર બાબત એ છે કે, આગામી 21 નવેમ્બરના રોજ મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંજના યોજાનાર કાર્યક્રમ દરમિયાન IED બ્લાસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, મોટેરા મેટ્રો સ્ટેશન તથા અન્ય મેટ્રો સ્ટેશનોને પણ ટાર્ગેટ કરવાની ધમકી આપવામાં આવતા તંત્ર વધુ સતર્ક બન્યું છે

પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સઘન તપાસમાં જોતરાઈ
ધમકીભર્યો ઈમેઈલ મળ્યાની સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સુરક્ષા એજન્સીઓ તરત જ હરકતમાં આવી ગઈ છે. બેંકની શાખાઓ, સ્ટેડિયમ અને મેટ્રો સ્ટેશન પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ સઘન ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Explainer: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ આવે છે 'ધોકો'?