ગુજરાત જ્યારે જાન્યુઆરીમાં યોજાનારા 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027'માં રોકાણકારો અને વૈશ્વિક પ્રતિનિધિઓને આવકારવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રવાસન, વારસો અને દરિયાઈ વિકાસમાં રાજ્યની મહત્વાકાંક્ષાઓના પ્રતીક તરીકે ઉભરી રહ્યું છે.

અમદાવાદ નજીક 400 એકરમાં ફેલાયેલો અને રૂ. 4500 કરોડના ખર્ચે બની રહેલો આ પ્રોજેક્ટ ભારતના 5 હજાર વર્ષ જૂના દરિયાઈ વારસાની ઉજવણી કરી રહ્યો છે, જે હોસ્પિટાલિટી, મનોરંજન અને સંલગ્ન ક્ષેત્રોમાં રોકાણના નવા દ્વાર ખોલી રહ્યો છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે.

વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ અને પ્રાચીન ડોકયાર્ડની પ્રતિકૃતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ વિકસાવવામાં આવેલો આ ડ્રીમ પ્રોજેક્ટ વિશ્વ સમક્ષ ભારતના દરિયાઈ વારસાને રજૂ કરશે. ભારત સરકારના 'સાગરમાલા કાર્યક્રમ' હેઠળ બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા નિર્માણ પામી રહેલા આ કોમ્પ્લેક્સનો ઉદ્દેશ્ય અદ્યતન ટેકનોલોજીને 'એજ્યુટેઇનમેન્ટ' (શિક્ષણ સાથે મનોરંજન) સાથે જોડવાનો છે.


આ કોમ્પ્લેક્સમાં 14 ગેલેરીઓ હશે, જે સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આધુનિક ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની વીરતા સુધીની સફરનું વર્ણન કરશે. અહીં અંદાજે રૂ. 200 કરોડના ખર્ચે 77 મીટર ઊંચું વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. સાથે જ, હડપ્પન નગરના પુનઃનિર્માણના ભાગરૂપે વિશ્વના સૌથી પ્રાચીન ડોકયાર્ડની પ્રતિકૃતિ પણ જીવંત કરવામાં આવી રહી છે.


આંતરરાષ્ટ્રીય સહયોગ અને પ્રવાસન ક્ષેત્રે નવી રોજગારીની તકો

NMHC માં ચાર થીમ પાર્ક, એક અંડર વોટર ગેલેરી, ઇકો-રિસોર્ટ્સ, વોટર રાઇડ્સ, મરીન રિક્રિએશન સેન્ટર્સ અને 'કોસ્ટલ સ્ટેટ પેવેલિયન્સ' પણ હશે. આ પ્રોજેક્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટું ધ્યાન ખેંચ્યું છે, જ્યાં વિવિધ દેશો (જેમ કે પોર્ટુગલ, વિયેતનામ, UAE, થાઇલેન્ડ, ઓમાન, દક્ષિણ કોરિયા વગેરે) સાથે 13 MoUs સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે.

અમદાવાદથી 80 કિમી દૂર આવેલું આ સ્થળ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર ચાલતું ભારતનું પ્રથમ હેરિટેજ ટુરિઝમ સ્થળ બનશે, જે સ્થાનિક સ્તરે હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરીને પ્રદેશના સાર્વત્રિક વિકાસને વેગ આપશે.


આ પણ વાંચો: Ahmedabad News: સારંગપુર બ્રિજ તોડીને નવો બનાવાશે, 31 જુલાઈ 2027 સુધી આ વૈકલ્પિક માર્ગોનો કરો ઉપયોગ!