અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે આજે યોજાનારી ભવ્ય તિરંગા યાત્રાને પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાંજે 5 થી 7 વાગ્યા સુધી શહેરના અનેક મુખ્ય માર્ગો સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જાહેરનામા અનુસાર, વીજળીઘરથી ભદ્ર,ત્રણ દરવાજા અને પાનકોરનાકા તરફ જતો માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે.જ્યારે રીલીફ રોડ અને ઘીકાંટા વિસ્તારના ટ્રાફિકને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

વાહન ચાલકો માટે આ વૈકલ્પિક માર્ગ જાહેર

આ તિરંગા યાત્રામાં સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે 1000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહીને જોડાશે.આ ઉપરાંત, યાત્રાને સફળ બનાવવા માટે 200થી વધુ સ્વયંસેવકો અને 500 થી વધુ ઉત્સાહી નાગરિકો પણ આ આયોજનમાં સહભાગી બનવાના છે.ટ્રાફિકજામની સ્થિતિને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા રૂપાલી સિનેમાથી મિરઝાપુર તરફ જતો માર્ગ તેમજ વિક્ટોરિયા ગાર્ડનથી ખમાસા તરફ જતો માર્ગ વાહનચાલકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે જેથી નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે.

નિયમો નેવે મૂકનાર વાહનચાલકો સામે કાર્યવાહી થશે

નાગરિકોની સુવિધા માટે બહાર પાડવામાં આવેલા આ ટ્રાફિક જાહેરનામામાંથી કટોકટીની સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ,ફાયર બ્રિગેડના વાહનો તેમજ અધિકૃત સરકારી વાહનોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે, એટલે કે આ વાહનો પ્રતિબંધિત માર્ગો પરથી પણ પસાર થઈ શકશે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરનામાનો ભંગ કરનાર કે નિયમો નેવે મૂકનાર વાહનચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Surat News: સુરતમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો તે કુદરતનો કહેર છે એમાં કોઈ શું કરી શકે: સાંસદ મુકેશ દલાલ