અમદાવાદ શહેરમાં વીજ પુરવઠા અને અન્ડરગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ટોરેન્ટ પાવર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે. 132 KV અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની આ કામગીરીને કારણે શિલાલેખ ત્રણ રસ્તાથી નારાયણઘાટ તરફ જતો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ ટ્રાફિક પ્રતિબંધ અને ડાયવર્ઝન 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી કડકપણે અમલી રહેશે.
વાહનચાલકો માટે જાહેર કરાયેલા વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ
ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે તંત્ર દ્વારા વાહનચાલકો માટે ખાસ વૈકલ્પિક માર્ગો ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
- પીકનીક હાઉસ તરફથી આવતા વાહનો: શિલાલેખ તરફ આવતા અથવા તે વિસ્તારમાંથી પસાર થતા વાહનો પીકનીક હાઉસ ત્રણ રસ્તેથી નારાયણઘાટ થઈને ડફનાળા તરફ આગળ વધી શકશે.
- ડફનાળા તરફથી આવતા વાહનો: ડફનાળા તરફથી આવતા વાહનો નારાયણઘાટ અને પીકનીક હાઉસ ત્રણ રસ્તા થઈને શિલાલેખ તરફ જઈ શકશે.

ઇમરજન્સી વાહનોને મુક્તિ અને કાયદેસરની કાર્યવાહીની ચેતવણી
આ જાહેરનામામાં જનહિતને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ફરજ પરના સરકારી વાહનોને આ પ્રતિબંધમાંથી વિશેષ મુક્તિ આપવામાં આવી છે. જોકે, સામાન્ય વાહનચાલકો દ્વારા આ નિયમો કે ડાયવર્ઝનનો ભંગ કરવામાં આવશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા વાહનચાલકોને અસુવિધાથી બચવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad News: સારંગપુર બ્રિજ તોડીને નવો બનાવાશે, 31 જુલાઈ 2027 સુધી આ વૈકલ્પિક માર્ગોનો કરો ઉપયોગ!