અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નવરાત્રિના તહેવાર દરમિયાન સરળ વાહનવ્યવહાર માટે એક નવી પદ્ધતિ અપનાવી છે. પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં આવેલા મુખ્ય ચાર રસ્તાઓ પર જુદી જુદી 10 જગ્યાએ ખાસ વોચ ટાવર ઊભા કરાયા છે.આઠ ફૂટ ઊંચા ટાવર પર બેસી ટ્રાફિક જવાનો લાઉડસ્પીકરથી ચાલકોનું ધ્યાન દોરી જરૂરી નિયમન કરાવશે. શહેર ટ્રાફિક પોલીસે ચાલુ વર્ષે નવરાત્રિ પર્વમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા હજારો પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અમદાવાદ શહેરમાં ખાસ કરીને પશ્ચિમ ભાગમાં વાહનોનું ભારણ વધુ રહેતું હોવાથી ચાર રસ્તાઓને ધ્યાનમાં રાખીને કુલ ૮ વોચ ટાવર તૈયાર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં વોચ ટાવર ઉભા કરાયા

આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં પણ ટ્રાફિક સંચાલન માટે 2 વોચ ટાવર ઊભા કરાયા છે.હેલમેટ ચાર રસ્તા, કર્ણાવતી ક્લબ નજીક, સિંધુભવન પાસે બોડકદેવ, તાજ હોટલ સર્કલ, ઈસ્કોન ચાર રસ્તા જ્યારે પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, નારોલ જેવા વિસ્તારોમાં વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.લગભગ ૮ ફૂટ ઊંચા આ ટાવર પર એક ટ્રાફિક જવાન તેનાત રાખવામાં આવશે. જે વાહનોનું નિયમન કરાવવામાં મદદરૂપ બનશે અને લાઉડસ્પીકર દ્વારા નિયમો અંગે વાહનચાલકોનું ધ્યાન દોરશે. હાલમાં હેલમેટ ચાર રસ્તા, કર્ણાવતી કલબ પાસે, સિંધુભવન, બોડકદેવ અને તાજ હોટેલ સર્કલ સહિતના વિસ્તારોમાં વોચટાવર ઉભા કરવામા આવ્યા છે. 

પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ ખાસ પહેલ

પશ્ચિમ ટ્રાફિક ડીસીપી બી આર પટેલે જણાવ્યું હતું કે, શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ ખાસ પહેલ કરાઈ છે. આ નવી વ્યવસ્થાથી ટ્રાફિક જવાન ઉપરથી વાહનો પર સરળતાથી નજર રાખી શકશે અને ત્યાંથી સુચારુ રીતે ટ્રાફિકનું નિયમન કરી શકશે. સાથે જ જવાન લાઉડસ્પીકરથી વિવિધ ટ્રાફિક નિયમો બોલીને ચાલકોને જાગૃત કરશે. હાલમાં આ પ્રાયોગિક આયોજન ફક્ત નવરાત્રિ પૂરતું સીમિત છે અને ત્યારબાદ પરિણામોને આધારે તેનો ઉપયોગ આગામી તહેવારોમાં ચાલુ રાખવો કે નહીં તેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Jamnagar: લાલપુરમાં GEB ના નિવૃત્ત અધિકારીની કરપીણ હત્યા, ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો