અમદાવાદમાં મકરબા,હેબતપુર પછી હવે પંચવટી જંક્શન ઉપર રૂ.101.92 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજનો વિવાદ સામે આવ્યો છે. વર્ષ 2011માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાસે શહેરના વિવિધ જંક્શન ઉપર રહેતા ટ્રાફિકને લઈ સર્વે રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોને અભેરાઈએ ચડાવી દઈ મ્યુનિસિપલ કોર્પોરેશને IITRAMના સૂચન પર અમલ કરીને કલાયઓવરબ્રિજની મૂળ ડિઝાઇનમાં મોટો ફેરફાર કરી તેને અંદાજે 900 મીટર લાંબા ‘એલ’ શેપ સાથે બનાવવાનો નિર્ણય કર્યો હતો. હવે ત્રાગડ રેલવે અંડર પાસને લઈને સવાલો ઉભા થયાં છે. 

વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

અમદાવાદના ત્રાગડ ખાતે રેલવે અંડરપાસ બનીને સંપૂર્ણ તૈયાર થઈ ગયો હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે વાહનચાલકો માટે હજુ સુધી બંધ રાખવામાં આવ્યો છે. અગાઉ આ અંડરપાસના નિર્માણ દરમિયાન રોડની વચ્ચે જ સ્મશાન આવેલું હતું જેને ખસેડવામાં જ તંત્ર દ્વારા છ મહિના જેટલો લાંબો સમય વેડફી નાખવામાં આવ્યો હતો.સ્મશાન હટ્યા બાદ હવે AMC દ્વારા રોડ અને સેન્ટ્રલ વર્જની કામગીરી જાણી જોઈને લટકાવી રાખવામાં આવી છે. જેના કારણે રોજબરોજ અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગંભીર અકસ્માત સર્જાવાનો સતત ભય રહે છે

અંડરપાસ બંધ હોવાને કારણે અને બંને તરફના રોડ પરથી વાહનો યુ-ટર્ન લેતી વેળાએ ગંભીર અકસ્માત સર્જાવાનો સતત ભય રહેલો છે.ખાસ કરીને પીક અવર્સ એટલે કે ઓફિસ જવા-આવવાના સમયે ભારે ટ્રાફિકજામ રહેતો હોવાની સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે. તંત્રની નબળી રોડ ડિઝાઇન અને કામગીરીની અત્યંત ધીમી ગતિ સામે નાગરિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: UCC બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી, ગુજરાતમાં સમાન નાગરિક ધારો અમલી બનશે