અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતી બે વિદેશી મહિલાઓને ડિટેઇન કરી છે.ચાંદખેડા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડ અને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસના સંયુક્ત ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે વિસ્તારમાં આવેલી દેવ પેલેસ હોટલ અને ગ્રીન ટ્રી હોટલમાં સઘન તપાસ હાથ ધરીને વિઝાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં શહેરમાં રોકાયેલી બંને મહિલાઓને ઝડપી પાડી હતી.

પાસપોર્ટ વિઝા ચેકિંગમાં ઓવરસ્ટેનો ભાંડો ફૂટ્યો

મળતી માહિતી મુજબ,ઝડપાયેલી મહિલાઓમાં તાંઝાનિયાની વતની હેલ્લેના ડોનાલ્ડ ન્યાગાલુ અને કેન્યાની વતની મેગડેલાઇનન્ડુતા કિન્યાન્જુઇનો સમાવેશ થાય છે. પોલીસ અને FRROની ટીમે જ્યારે હોટલમાં ચેકિંગ દરમિયાન બંને મહિલાઓના પાસપોર્ટ અને વિઝા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી ત્યારે તેમના વિઝાની સમયમર્યાદા ક્યારનીય પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.વિઝા પૂરા થયા હોવા છતાં તેઓ વહીવટી તંત્રને જાણ કર્યા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં રહી રહી હતી.

ફોરેનર્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી

વિઝા નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ ચાંદખેડા પોલીસે બંને વિદેશી મહિલાઓ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.FRRO માંથી મળેલી ચોક્કસ માહિતીના આધારે આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.હાલમાં પોલીસે બંને મહિલાઓને ડિટેઇન કરી છે અને તેઓ ક્યારથી અહીં રોકાયેલી હતી તથા તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Gujarat News: પોરબંદરમાં ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી