અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 9 નિર્દોષ લોકોના કરુણ મોત બાદ આખરે સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું છે. આ ભયાનક દુર્ઘટના પગલે તંત્રએ તાબડતોબ એક્શન મોડમાં આવીને ખુલ્લા ખેતરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા અન્ય 2 ફટાકડાના એકમોને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધા છે. વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોડી રાત સુધી એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફેક્ટરીઓમાંથી ફટાકડાનો શંકાસ્પદ અને જોખમી જથ્થો જપ્ત કરી તેના પર પાણીનો મારો ચલાવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.
પરિવારજનોએ કરી ન્યાય આપવા માગ
આ ભયાનક બ્લાસ્ટમાં રોજીરોટી કમાવવા માટે દાહોદ જિલ્લામાંથી અમદાવાદ આવેલા શ્રમિક પરિવારો પર કાળનો પંજો ફરી વળ્યો છે. જેમાં ઉષાબેન ડામોર નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે તેમના પતિ ગોવિંદભાઈ હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. આ અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના મૃતકો મૂળ દાહોદ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે જેને પગલે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર મૃતકોના શોકાતુર પરિવારજનો એકત્રિત થયા છે. કલ્પાંત કરી રહેલા ગરીબ પરિવારે રડતી આંખે આ સમગ્ર કાંડ માટે જવાબદાર ફેક્ટરી માલિકો અને લાપરવાહ અધિકારીઓ સામે કડક પગલાં ભરી ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે.
ઘાયલો પૈકી એક દર્દીની હાલત અત્યંત નાજુક
રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના ઘાયલોને તાત્કાલિક ધોરણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ 5 જેટલા ગંભીર ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા અનુસાર, આ ઘાયલો પૈકી એક દર્દીની હાલત અત્યંત નાજુક હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તોની સઘન સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા વહીવટી તંત્રની સૂચનાથી મૃતકોનું રાત્રે જ પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા સ્પેશિયલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મૃતદેહોને તેમના વતન ખાતે અંતિમ સંસ્કાર માટે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
બ્લાસ્ટ થયો તે ફેક્ટરી પાસે ફાયર NOC ઉપલબ્ધ હતી
આ કાળમુખી દુર્ઘટનામાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે બ્લાસ્ટ થયો તે ફેક્ટરી પાસે ફાયર NOC ઉપલબ્ધ હતી. જે છેલ્લે વર્ષ 2024માં જ FSO દ્વારા રિન્યુ કરી આપવામાં આવી હતી. સામાન્ય રીતે 500 મીટરના દાયરામાં આવતી જગ્યાઓ માટે પોલીસ વિભાગ દ્વારા એનઓસી આપવામાં આવતી હોય છે, પરંતુ આ કેસમાં AMC ફાયર વિભાગની ઘોર બેદરકારી અને લાપરવાહી ઉઘાડી પડી છે. ફાયર વિભાગ દ્વારા ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત છે કે નહીં તે અંગે ક્યારેય કોઈ તપાસ કે કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. તંત્રની આ નિષ્કાળજીના કારણે જ આખરે 9 લોકોએ પોતાની જિંદગી ગુમાવવી પડી છે, જેને પગલે હવે સામાન્ય જનતામાં પણ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Surat Weather: શહેરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી