કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. દેશભરમાં પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા 'એક પેડ મા કે નામ' ગ્લોબલ મિશનને આગળ ધપાવતા ગૃહમંત્રી આવતીકાલે ગુજરાતમાં એક અનોખા ઐતિહાસિક રેકોર્ડના સાક્ષી બનશે. વહીવટી તંત્ર અને વન વિભાગના સહયોગથી આવતીકાલે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને સંસ્થાઓમાં એકસાથે 1 કરોડથી વધારે વૃક્ષો વાવવાની વ્યાપક મિલીયન-ટ્રી ડ્રાઇવ લોન્ચ કરવામાં આવશે. ગૃહમંત્રી પોતે અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ જગ્યાઓ પર રૂબરૂ હાજર રહીને વૃક્ષારોપણ કરશે અને પ્રકૃતિ બચાવવાનો સંદેશ આપશે.
સાયન્સ સિટી ખાતે જાહેરસભા અને ગ્રીન મિશન
આ ભવ્ય પર્યાવરણીય મહોત્સવના ભાગરૂપે અમદાવાદના સાયન્સ સિટી ખાતે એક વિશાળ જાહેર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી ડિજિટલ માધ્યમથી રાજ્યવ્યાપી વૃક્ષારોપણ ઝુંબેશની પ્રગતિનું નિરીક્ષણ કરશે અને સાયન્સ સિટી ખાતે ઉપસ્થિત હજારો નાગરિકો, પર્યાવરણવિદો અને યુવાનોની મેદનીને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના સદસ્યો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે, જેને પગલે સાયન્સ સિટી અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
