વડોદરા શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ પર શિક્ષકો દ્વારા ગુજારવામાં આવતી માનસિક અને શારીરિક ક્રૂરતાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હજુ થોડા સમય પહેલા જ બનેલી આવી જ એક ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ફતેગંજની પ્રતિષ્ઠિત ગણાતી રોઝરી સ્કૂલમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના પી.ટી. ટીચરે ધોરણ 5 માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીને માત્ર એટલા માટે ગંભીર શારીરિક સજા આપી કારણ કે તે પોતાના વાળમાં નિયમ મુજબ તેલ લગાવીને શાળાએ આવ્યો નહોતો. શિક્ષકે માનવતા ભૂલીને આ માસૂમ બાળકને કડક તડકામાં સ્કૂલના મેદાનના એક-બે નહીં પરંતુ પૂરા 6 રાઉન્ડ દોડવાની ફરજ પાડી હતી.

બીમારીથી અજાણ શિક્ષક અને લથડતી તબિયત

સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ છે કે ભોગ બનનાર વિદ્યાર્થી હૃદયરોગની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, અને તબીબી નિયમો અનુસાર તેને વધુ પડતો શારીરિક શ્રમ કે દોડધામ કરવાની સખત મનાઈ છે. 6 રાઉન્ડ દોડવાના કારણે બાળકની તબિયત લથડી ગઈ હતી અને તે અત્યંત ગભરાઈ ગયો હતો. બાળકે ઘરે જઈને વાલીને આ અંગે વાત કરતા વાલીના હોશ ઉડી ગયા હતા. બાળકના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે થયેલા આ ગંભીર ચેડાં મામલે વાલીએ તુરંત જ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત, બાળ અધિકાર સુરક્ષા માટે કાર્યરત 'ચાઈલ્ડ હેલ્પ લાઈન' ની પણ સત્તાવાર મદદ લેવામાં આવી છે.

શાળા પ્રશાસનની કબૂલાત અને એક્શન પ્લાન

આ વિવાદ વ્યાપક બનતા રોઝરી સ્કૂલના આચાર્ય દિપક જયસ્વાલે મીડિયા અને તંત્ર સમક્ષ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. આચાર્યએ જણાવ્યું હતું કે, "શાળા મેનેજમેન્ટ પોતાની આ મોટી ભૂલનો સ્વીકાર કરે છે. જોકે, જે શિક્ષકે આ સજા આપી છે તે તાજેતરમાં જ શાળામાં નવા જોડાયા છે, અને બાળકની તબીબી હિસ્ટ્રી કે તેને હૃદયરોગની બીમારી છે તે અંગે આ નવા શિક્ષક માહિતગાર નહોતા. તેમના દ્વારા અજાણતામાં આ ગંભીર ભૂલ થઈ ગઈ છે." આચાર્યએ વધુમાં ઉમેર્યું હતું કે શાળામાં કોઈપણ પ્રકારની શારીરિક સજાને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. આ ઘટનાને પગલે આજે જ રોઝરી સ્કૂલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટી મંડળની એક હાઇ-લેવલ કટોકટી બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ડેપ્યુટેશનના નિયમોના ભંગ અને બાળકના જીવને જોખમમાં મૂકવા બદલ સંબંધિત પી.ટી. શિક્ષક સામે કડક શિસ્તભંગના પગલાં લેવા અથવા તેમને સેવામાંથી બરતરફ કરવા અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: Vav-Tharad: આડા સંબંધોમાં પત્ની જ બની પતિની કાતિલ, ખેતર માલિક સાથે મળી ગમા ઠાકોરની કરી નાખી ક્રૂર હત્યા