ગુજરાતમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓના હિતોના રક્ષણ માટે લેબર કમિશનરની કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારના બોનસ ચુકવણીના કાયદા અનુસાર,રાજ્યના તમામ વ્યાપારી એકમો,ઔદ્યોગિક ગૃહો અને સંસ્થાઓએ પોતાના કર્મચારીઓ કે શ્રમિકોને વાર્ષિક પગારના ઓછામાં ઓછા 8.33 ટકા લેખે બોનસ ચૂકવવું કાયદાકીય રીતે ફરજિયાત છે.નિયમ મુજબ આ બોનસની રકમ દર વર્ષે 30મી નવેમ્બર સુધીમાં ચૂકવી દેવાની હોય છે પરંતુ આ નિયમનું ઉલ્લંઘન કરનારા એકમો સામે તંત્ર દ્વારા કાનૂની શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.

તમામમાં કામદારોની તરફેણમાં ચુકાદો આવ્યો છે 

છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો શ્રમિકોને સમયસર બોનસ ન ચૂકવવા બદલ લેબર વિભાગ દ્વારા કુલ 1217 જેટલા એકમો સામે કાર્યવાહી કરીને કેસો દાખલ કરવામાં આવ્યા છે.વર્ષ 2024-25 દરમિયાન બોનસ ન ચૂકવાતાં 530 કેસો નોંધાયા હતા.જ્યારે વર્ષ 2025-26માં આ સંખ્યા વધીને 687 પર પહોંચી હતી. રાહતની વાત એ છે કે,વર્ષ 2025-26માં લેબર કોર્ટમાં દાખલ થયેલા 687 કેસોમાંથી 575 કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવ્યો છે અને તે તમામમાં કામદારોની તરફેણમાં ચુકાદો આવ્યો છે જેથી શ્રમિકોને તેમનો હક મળ્યો છે.

સત્તાવાર આંકડા આગામી ડિસેમ્બરમાં જાહેર કરાશે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,વર્ષ 2025-26ના સમયગાળા દરમિયાન શ્રમિકોને જે બોનસ ચૂકવવામાં આવ્યું હતું તેમાં રૂ.209 કરોડની રકમ એક્સ-ગ્રેશિયા તરીકે આપવામાં આવી હતી.સંચાલકો માટે 30મી નવેમ્બર સુધી બોનસ ચૂકવવાની સમયમર્યાદા હોવાથી ચાલુ વર્ષ 2026-27 દરમિયાન થયેલી કાર્યવાહી અને ચુકવણીના આખરી અને સત્તાવાર આંકડા આગામી ડિસેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ફટાકડા ફોડવા બાબતે બોડકદેવના સ્કાય વ્યૂ ફ્લેટની બહાર હુમલો, 3 રાઉન્ડ ફાયરિંગ