દિવાળીના તહેવારની રાત્રે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવી ચકચારી ઘટના બની હતી.અહીં આવેલા સ્કાય વ્યૂ ફ્લેટની બહાર રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે સામાન્ય બોલાચાલી અને તકરાર થઈ હતી.આ તકરાર જોતજોતામાં વકરી ગઈ હતી અને એક ટોળાએ સોસાયટીની બહાર એકઠા થઈને ફ્લેટના નિર્દોષ રહીશો પર હિંસક હુમલો કરી દીધો હતો.અચાનક થયેલા આ હુમલાને પગલે ફ્લેટના રહીશોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો હતો.ટોળા દ્વારા રહીશો પર કરવામાં આવેલા આ હિંસક હુમલાના ચોંકાવનારા વિડીયો પણ હવે સામે આવ્યા છે.

ફ્લેટમાં કોઈના ઘરે આવેલા મહેમાને ફાયરિંગ કર્યું

હુમલાની આ ગંભીર ઘટના સમયે પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને ફ્લેટમાં આવેલા એક મહેમાન રહીશોના બચાવમાં આગળ આવ્યા હતા.હુમલાખોર ટોળાથી પોતાનો અને ફ્લેટના રહીશોનો જીવ બચાવવા માટે આ મહેમાને સ્વબચાવમાં પોતાની પાસે રહેલી લાયસન્સ રિવોલ્વર બહાર કાઢીને સ્વબચાવ અર્થે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ ગોળીબાર થતાં જ સ્થળ પર ભારે નાસભાગ મચી ગઈ હતી અને હુમલો કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.મહેમાને સમયસૂચકતા વાપરીને સ્વબચાવમાં પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ટોળામાંથી 25 જેટલા યુવકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ

આ સમગ્ર મામલે હુમલાનો ભોગ બનેલા ફ્લેટના રહીશો તરફથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવામાં આવ્યો હતો.ફ્લેટના રહીશો પર હિંસક હુમલો કરનાર ટોળામાંથી 25 જેટલા યુવકો વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને તમામ હુમલાખોરો સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.બોડકદેવ પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ગુનો નોંધીને ઘટનાસ્થળના સામે આવેલા વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે તમામ આરોપીઓની ઓળખ કરીને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે. 

આ પણ વાંચોઃ Rajkot: દિવાળીની રાત્રે શહેરમાં અનેક સ્થળોએ આગના બનાવો, ફાયર બ્રિગેડે રાતભર પાણીનો મારો ચલાવી સ્થિતિ કાબૂમાં લીધી