અમદાવાદ શહેરને વર્લ્ડ ક્લાસ અને સ્માર્ટ સિટી બનાવવાના AMCના પોલા દાવાઓની પોલ શહેરના 7 મુખ્ય બ્રિજના એનાલિસિસથી ખુલ્લી પડી ગઈ છે.પ્રજાના લોહી-પરસેવાની કમાણીમાંથી કરોડો રૂપિયાનો ધૂમાડો કરીને બનાવાયેલા આ બ્રિજ સુવિધા આપવાને બદલે શાસકો અને અધિકારીઓની નીતિ-રીતિના કારણે આફત સાબિત થયા છે.માત્ર 3 વર્ષમાં 2 બ્રિજ ખખડ્યા, એકનું રિપેરિંગ, અન્ય 2 બ્રિજને જમીન દોસ્ત કરવાની નોબત આવી છે. હાલમાં મકરબામાં તૈયાર થયેલા નવા નકોર બ્રિજની ડિઝાઈન વિવાદમાં ઘેરાઈ છે. ત્યાં વાડજ બ્રિજ પણ ડિઝાઈનને લઈને ચર્ચાએ ચઢ્યો છે.  

કેપ્સ્યુલ ડિઝાઇન કરવાની ફરજ પડી

અમદાવાદમાં તાજેતરમાં જ ઉદ્ઘાટન પામેલા વાડજ બ્રિજમાં પણ કેપ્સ્યુલ ડિઝાઇન કરવાની ફરજ પડી છે. આ બ્રિજમાં પહેલા કેપ્સ્યુલ ડિઝાઇનનો સમાવેશ નહોતો કરાયો જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઉદ્ઘાટન બાદ ઉસ્માનપુરા તરફના છેડે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી.જેથી અંતે બ્રિજ શરૂ થયાના એક જ દિવસમાં ત્યાં પણ કેપ્સ્યુલ ડિઝાઇન કરીને યુ ટર્ન આપવાની ફરજ પડી હતી.બ્રિજના છેડે ત્રણ રસ્તા આવતા તેને બંધ કરીને 500 થી 600 મીટર આગળ યુ ટર્ન અપાયો છે.પરંતુ આ રસ્તો બંધ થવાથી એઈસી ચાર રસ્તા તરફ જતા વાહનચાલકોને 1 થી 1.5 કિલોમીટર વધુ ફરીને ઉસ્માનપુરા-નારણપુરા થઈને જવું પડે છે.વાહનચાલકોએ આ કેપ્સ્યુલ યુ ટર્ન ચાર રસ્તાથી ખૂબ જ નજીક અને અયાવ્યવસ્થિત હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.

બ્રિજની ડિઝાઈનને લઈને ફરી સવાલો ઉભા થયાં

શહેરમાં બનેલા બ્રિજના કિસ્સાઓ તંત્રની ઘોર નિષ્ફળતા અને ભ્રષ્ટાચારની સાક્ષી પૂરે છે.કાગળ પર પ્લાનિંગ કરતી વખતે કન્સલ્ટન્ટ્સ અને AMCના ઉચ્ચ અધિકારીઓ શું ઊંઘતા હોય છે? બ્રિજ શરૂ થયા બાદ ટેકનિકલ ખામીઓ સામે આવે ત્યારે કમિશનર, મેયર કે શાસકો કન્સલ્ટન્ટસ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાના બદલે મૌન ધારણ કરી લે છે. હજી મકરબામાં પણ નવો બ્રિજ બન્યા બાદ જ ટ્રાફિક જામ થવાની સમસ્યા સર્જાઈ હોવાની ચર્ચાઓ શાંત નથી થઈ ત્યાં જ વાડજમાં બનેલા બ્રિજની ડિઝાઈનને લઈને ફરી સવાલો ઉભા થયાં છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં 9 મેટ્રો સ્ટેશન ખાતે વાહન પાર્કિંગ ઉભા કરાશે, છ હજારથી વધુ વાહનો પાર્ક થશે