ગુજરાતના જામનગર (Jamnagar) સ્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (Vantara) અને રિપબ્લિક ઓફ મડાગાસ્કર (Republic of Madagascar) ના પર્યાવરણ અને ટકાઉ વિકાસ મંત્રાલય (MEDD) વચ્ચે વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ અંગે 10 વર્ષ ના નોન-એક્સક્લુઝિવ સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 24 નવેમ્બર 2026 ના રોજ થયેલો આ કરાર 19 ઓગસ્ટ ના રોજ ભારતની CITES મેનેજમેન્ટ ઓથોરિટી સમક્ષ વનતારાએ આપેલી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે છે. આ હેઠળ વિદેશમાં જપ્ત કરાયેલા માલાગાસી પ્રાણીઓને સુરક્ષિત પરત લાવવા, બચાવ, પુનર્વસન, પશુચિકિત્સા સંભાળ, રાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના અને સ્થાનિક નિષ્ણાતોને તાલીમ આપવા માટે બંને પક્ષો સાથે મળીને કામ કરશે.

લેમર, કાચબા અને જૈવવિવિધતા પર સંકટ

IUCN રેડ લિસ્ટ મુજબ મડાગાસ્કરમાં જોવા મળતી 90% લેમર (Lemur) પ્રજાતિ લુપ્ત થવાના આરે છે, જ્યારે 2001 થી 2023 વચ્ચે દેશમાં આશરે 29% વૃક્ષ આવરણ ઘટ્યું છે અને 2026 ના જાન્યુઆરીથી એપ્રિલ (January to April 2026) દરમિયાન છ જપ્તીના કેસમાંથી 1,000 થી વધુ કાચબા (Tortoises) મળ્યા હતા. અગાઉ 2024 માં થાઈલેન્ડમાં જપ્ત કરાયેલા 48 લેમર અને 1,000 થી વધુ કાચબામાંથી 131 કાચબા પરિવહન દરમિયાન મૃત્યુ પામ્યા હતા અને પરત ફ્લાઈટમાં વિલંબ થયો હતો. આવી સ્થિતિમાં વનતારા આરોગ્ય તપાસ, રોગ પરીક્ષણ, પરિવહન, ક્વોરેન્ટાઈન, ફિલ્ડ રિસર્ચ અને જિનેટિક પ્રોફાઈલિંગમાં સહાય કરશે, જ્યારે નિર્ણયની સત્તા મડાગાસ્કર સરકાર અને તેની CITES સાયેન્ટિફિક ઓથોરિટી પાસે રહેશે.


મડાગાસ્કરમાં રાષ્ટ્રીય સંરક્ષણ કેન્દ્ર

મડાગાસ્કર સરકાર દ્વારા પૂરી પડાયેલી જમીન પર નેશનલ વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (National Wildlife Rescue and Rehabilitation Centre) ના નિર્માણ અને સ્થાપનામાં વનતારા મદદ કરશે, જે મડાગાસ્કરની માલિકીનું રહેશે અને MEDD હેઠળ કાર્ય કરશે. તાલીમ, ઇન્ટર્નશિપ અને નિષ્ણાતોના આદાનપ્રદાન દ્વારા સ્થાનિક માલાગાસી ટીમોને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ્ય છે, જેથી પ્રાણીઓને તેમના મૂળ વસવાટ દેશોમાં જ સુરક્ષિત રાખીને પ્રજાતિઓના અસ્તિત્વને મજબૂત બનાવી શકાય.

આ પણ વાંચો : Ahmedabad News : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પોલીસ બેડમિન્ટન ટુર્નામેન્ટનું સમાપન, અમિત શાહનો આભાર માન્યો...