અમદાવાદમાં થોડા સમય પહેલા મનપાના સારંગપુર ખાતેના સ્વિમીંગપુલમાં અસામાજિક તત્વોએ મોડી રાત્રે આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં વાયરલ થયેલા વીડિયોમાં રાતના સમયે બંધ કરવામાં આવેલા સ્વિમિંગ પુલમાં 10થી 15 જેટલા શખ્સો ઘૂસ્યા હતાં. આ તત્વોએ મોટા અવાજે ગીતો વગાડીને પુલમાં તોફાન આચર્યું હતું. આ ઘટના બાદ હવે શહેરમાં વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનો વિવાદ સામે આવ્યો છે. જેમાં સ્વિમિંગ પુલમાં ન્હાવાની મજા માણતા મહિલા અને પુરૂષોનો એક વીડિયો વાયરલ થયા બાદ એક્શન પણ લેવાયા છે.
વિદ્યાર્થીઓની દાદાગીરી અને કાર્ડ રદની ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં મહિલા અને પુરુષોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મોટો વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ તંત્ર દ્વારા પારદર્શક તપાસ કરવાને બદલે ત્યાં આવેલી લાયબ્રેરીના વિદ્યાર્થીઓ સામે જ એકતરફી કાર્યવાહી કરી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.વિદ્યાર્થીઓનો આરોપ છે કે ઘટના અંગે તેમની સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે અને લાયબ્રેરીમાં ન આવવા માટે ધમકીઓ આપીને તેમના પ્રવેશ કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે.
