અમદાવાદ શહેરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ સંચાલકોની ઘોર બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુર ખાતે આવેલી જાણીતી ફૂડ બ્રાન્ડ 'દમસફર યુનાઈટેડ બાય બારબેક્યુ નેશન' (Dum Safar United by Barbeque Nation) ની ગંભીર બેદરકારીના કારણે શાકાહારી ગ્રાહકોની ધાર્મિક અને આસ્થાઓને ઠેસ પહોંચી છે. ધર્મ અને ખાનપાન પ્રત્યે સભાન રહેતા લોકો માટે આ ઘટના ભારે આઘાતજનક સાબિત થઈ છે.
વેજ બિરયાની મંગાવી પણ નીકળી નોન-વેજ
બનાવની વિગત મુજબ, વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી બે યુવતીઓએ ઓનલાઈન ફૂડ એપ દ્વારા શાકાહારી ભોજનનો આનંદ માણવા માટે 'વેજ બિરયાની'નો ઓર્ડર કર્યો હતો. જોકે, રેસ્ટોરન્ટ દ્વારા ઓર્ડર પારખવામાં મોટી ભૂલ કરવામાં આવી અને વેજને બદલે 'નોન-વેજ બિરયાની' પેક કરીને મોકલી આપવામાં આવી હતી. ગ્રાહકોએ અજાણતા જ તેમાંથી ભોજન ગ્રહણ કરી લેતા ભારે હડકંપ મચી ગયો હતો. માંસાહાર કરી લેતા તેમનો ધર્મભ્રષ્ટ થયો હોવાની લાગણી પણ યુવતીઓ અનુભવી રહી છે.

