ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને એક વર્ષથી ઓછો સમય બાકી હોવાના સંદર્ભમાં ભાજપે અત્યારથી જ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી હોવાની ચર્ચા છે. આજના પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને રાજકીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તેમના સ્વાગત માટે એરપોર્ટ પર પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બીજી તરફ, મુખ્યમંત્રી નિવાસસ્થાને સરકાર અને સંગઠનના આગેવાનો માટે નવા વર્ષના ભોજન કાર્યક્રમનું આયોજન થયું છે. આ ઘટનાક્રમ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે પ્રવાસ દરમિયાન માત્ર સ્વાગત અને કાર્યક્રમો જ યોજાશે કે પછી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર અને સંગઠનની કામગીરીની સમીક્ષા પણ થશે?
એરપોર્ટ પર વર્તમાન અને પૂર્વ નેતાઓની હાજરી
પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ હાજર છે. આ ઉપરાંત હરિન પાઠક, ભરત બારોટ, પ્રદીપસિંહ જાડેજા, જગરૂપસિંહ રાજપૂત, જગદીશ પટેલ, પ્રદીપ પરમાર, કિશોર ચૌહાણ, અરવિંદ પટેલ, આર.એમ. પટેલ અને સુરેશ પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ તથા પૂર્વ ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને ડિનર ડિપ્લોમસી
મુખ્યમંત્રી નિવાસસ્થાને નવા વર્ષના ભોજન કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો ઉપરાંત પક્ષના આગેવાનોની હાજરી પણ રાજકીય રીતે ચર્ચામાં છે. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે, મહામંત્રી પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, અનિરુદ્ધ દવે અને અજય બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર રહેવાના છે.
સરકાર અને સંગઠનની કામગીરીની સમીક્ષા થશે?
પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સરકાર અને સંગઠન સાથે સમીક્ષા બેઠક યોજાય છે કે કેમ તેના પર નજર રહેશે. રાજ્યની રાજકીય સ્થિતિ, સરકારની કામગીરી અને વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંગઠન અને સરકાર વચ્ચેનું સંકલન તથા આગામી દિવસોમાં હાથ ધરવાના ચૂંટણીલક્ષી કાર્યક્રમો જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં આવી શકે છે.
2027 પહેલાં ભાજપની રણનીતિ પર નજર
આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સામે સત્તા જાળવી રાખવા ઉપરાંત સરકાર અને સંગઠન વચ્ચે સંકલન જાળવવાનો પડકાર રહેશે. પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યોને સ્વાગત કાર્યક્રમમાં આમંત્રણ આપવાને જૂના અનુભવી નેતાઓને સાથે રાખવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
ભાજપમાં 2027ની ચૂંટણીને લઈને ચર્ચા તેજ
હાલમાં આ પ્રવાસ દરમિયાન ચૂંટણીલક્ષી કોઈ ચોક્કસ નિર્ણય કે સમીક્ષા બેઠક અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. જોકે, નેતાઓની હાજરી અને મંત્રી નિવાસસ્થાને યોજાનારા ભોજન કાર્યક્રમને કારણે ગુજરાત ભાજપમાં 2027ની ચૂંટણીને લઈને ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો : Love Affair : 3 બાળકોની માતાને 13 વર્ષ નાના યુવક સાથે થયો પ્રેમ, પતિએ કહ્યું- બાળકોને મારી પાસે છોડીને જવું હોય તો જા..