અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં પશ્ચિમ વિસ્તારમાં સક્રિય 'ગોડ ગેંગ'ના કુખ્યાત શખ્સોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવીને અપહરણ, મારામારી, તોડફોડ અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. જૂની અદાવત રાખીને ગુજસીટોક (GUJCTOC)ના કેસમાં તાજેતરમાં જ જેલમાંથી છૂટેલા સંજય દેસાઈ (રબારી) સહિત 4 આરોપીઓએ વેપારીનું અપહરણ કરી માર માર્યો હતો અને ત્યારબાદ ઇન્દ્રપ્રસ્થ ટાવર પાસે આવેલી 'સેલ્ફ ડ્રાઇવ કાર રેન્ટ સર્વિસ'ની ઓફિસમાં તોડફોડ કરીને ₹1,01,600ની લૂંટ ચલાવી હતી.
વસ્ત્રાપુર તળાવ પાસેથી અપહરણ
ઘટનાની વિગતો અનુસાર, ફરિયાદી સૌરવ ગુપ્તા ગઈકાલે રાત્રે વસ્ત્રાપુર તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે જૂની અદાવતમાં સંજય દેસાઈ અને તેના સાગરીતોએ તેમનું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીની દુકાને આવીને ₹1,01,600ની રોકડ રકમ લૂંટી લીધી હતી. એટલું જ નહીં, જ્યારે ફરિયાદી વેપારી ન્યાય માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા પહોંચ્યા, તે જ સમયે આરોપીઓએ વધુ બેફામ બનીને ઇન્દ્રપ્રસ્થ ટાવર પાસે આવેલી તેમની સેલ્ફ ડ્રાઇવ રેન્ટલની ઓફિસમાં ઘૂસી ભારે તોડફોડ મચાવી હતી.
