અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટીની ગુલબાંગો પોકારવામાં આવે છે, પરંતુ પૂર્વ વિસ્તારના વટવા વોર્ડમાં એન્જિનિયરિંગ વિભાગની એક જગાડનારી લાપરવાહી સામે આવી છે. વટવા બીબી તળાવ પાસે આવેલી પીવાના શુદ્ધ પાણીની મુખ્ય સપ્લાય લાઇનમાં મોડી રાત્રે અથવા વહેલી સવારે જોરદાર પ્રેશરના કારણે ફરી એકવાર મોટું ભંગાણ સર્જાયું હતું. ભંગાણ એટલું મોટું હતું કે પાણી ઉંચા ફુવારાની જેમ ઉડ્યા બાદ આખા રસ્તા પર વહેવા લાગ્યું હતું.

એક જ જગ્યાએ વારંવાર ભંગાણથી કામગીરી સામે સવાલો

સ્થાનિક રહીશોમાં તંત્ર સામે જે સૌથી મોટો રોષ છે તે એ છે કે આ કોઈ નવી સમસ્યા નથી. છેલ્લા બે મહિનાના ટૂંકા ગાળામાં એક જ ચોક્કસ લોકેશન પર પાણીની લાઇન તૂટવાનો આ ત્રીજો બનાવ છે. દર વખતે તંત્રના માણસો આવે છે, જે-તે સમયે થીગડું મારીને ખાડો પૂરી દે છે અને થોડા દિવસોમાં લાઇન ફરી ત્યાંથી જ ફાટી જાય છે. તંત્ર દ્વારા ત્રીજી વાર અહીં જેસીબી (JCB) મશીન વડે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, જેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે.

વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં

બીબી તળાવ રોડ એ વટવાનો મુખ્ય ધમધમતો માર્ગ છે. અહીં રસ્તાની વચ્ચોવચ ખાડો ખોદવામાં આવતા અને હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળવાના કારણે માર્ગ પર ચીકણો કાદવ અને કીચડ જમા થઈ ગયો છે. આ કાદવના લીધે અનેક ટૂ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા છે. ઓફિસ અને શાળાના સમયે આ મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. એકતરફ શહેરના અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અથવા દૂષિત પાણી આવવાની ફરિયાદો છે, ત્યારે બીજી તરફ વટવામાં આ પ્રકારે પીવાના શુદ્ધ પાણીનો થઈ રહેલો બગાડ જોઈને જળ સંચયની વાતો કરતા વહીવટી તંત્ર સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે અને આ લાઇનનું કાયમી રિપેરિંગ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.

  • Follow us on: