દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાનું પીપલોદ ગામ આજે પણ આઝાદીના દાયકાઓ પછી એક સુરક્ષિત ઓવરબ્રિજ માટે વલખાં મારી રહ્યું છે. પીપલોદ ગામની મુખ્ય બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક હાલમાં દાહોદ જિલ્લાની સૌથી ગંભીર સમસ્યાઓમાંથી એક બની ચૂકી છે. આ ફાટક પરથી રોજ હજારો લોકો કાળનો સામનો કરીને પસાર થાય છે.
વિદ્યાર્થીઓ અને શ્રમિકો માટે રોજનો એગ્ઝામ
પીપલોદ આસપાસના અંદાજે 60 થી 70 ગામોનું મુખ્ય કેન્દ્ર હોવાથી, આસપાસના વિસ્તારોમાંથી રોજ 2800 થી વધુ વિદ્યાર્થીઓ અહીં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવા માટે આવે છે. રેલવે લાઇન ગામની મધ્યમાંથી પસાર થતી હોવાથી આ વિદ્યાર્થીઓ પાસે ટ્રેક ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ઘણીવાર ફાટક બંધ હોય ત્યારે અથવા ટ્રેન ઉભી હોય ત્યારે, વિદ્યાર્થીઓ ટ્રેનની નીચેથી કે કપલિંગ વચ્ચેથી પસાર થતા જોવા મળે છે, જે ગમે ત્યારે મોટી હોનારતમાં પરિણમી શકે છે. આ ઉપરાંત રોજગારી અને વેપાર અર્થે આવતા 4000 થી વધુ ગ્રામીણો માટે પણ આ જ મુખ્ય કનેક્ટિવિટી માર્ગ છે.










