ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના નવજાત અને નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા તથા બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવવાના ઉદ્દેશ્ય સાથે આજથી રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંગે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપતા રાજ્યના આરોગ્ય મંત્રીએ તમામ વાલીઓને પોતાના બાળકોને અચૂક રસી અપાવવા માટે આગ્રહભરી વિનંતી કરી છે.


36 લાખ બાળકો પર સીધું ફોકસ

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના વાર્ષિક રસીકરણ કેલેન્ડર મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં થઈને કુલ ૩૬ લાખ બાળકોને આ ડ્રાઇવ અંતર્ગત આવરી લેવામાં આવશે. મેડિકલ સાયન્સના આધારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, બાળપણમાં આપવામાં આવતી બીસીજી, ઓરી, રૂબેલા અને પોલિયો જેવી રસીઓ આપવાથી બાળકોને ભવિષ્યમાં થનારા અપંગતા કે મૃત્યુ તરફ દોરી જતા ગંભીર રોગો લાગુ પડતા નથી. જેવી રીતે સામૂહિક પ્રયાસો અને રસીકરણના કારણે આજે ભારતમાંથી પોલિયો જેવી ગંભીર બીમારી જડમૂળમાંથી નાબૂદ થઈ શકી છે, તેવી જ રીતે અન્ય રોગોને પણ ડામી દેવાનો સરકારનો સંકલ્પ છે.

સોમ અને બુધવારે PHC ખાતે મળશે સુવિધા

આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિક અને ગ્રામીણ પરિવારોને ધ્યાનમાં રાખીને રસીકરણની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવામાં આવી છે. રાજ્યના તમામ ગ્રામ્ય અને અર્બન વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC Centers) પર દર સોમવાર અને બુધવારના દિવસો રસીકરણ માટે ખાસ અનામત રાખવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીએ ઉમેર્યું કે, આપણું હેલ્થ ડિપાર્ટમેન્ટ દર વર્ષે આ અભિયાન સુઆયોજિત રીતે ચલાવે છે. આ અંતર્ગત આશા વર્કર બહેનો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગામેગામ સર્વે કરીને એક પણ બાળક રસી વગર વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Amreli: રાજુલાના કોવાયા ગામે પરપ્રાંતીય યુવકને સિંહણે ફાડી ખાધો, સ્થળ પરથી માત્ર ખોપરી અને પાસળીના ટૂકડા મળ્યા

  • Follow us on: