અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને રાજુલાના દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં સિંહો અને માનવો વચ્ચેનો સંઘર્ષ (Human-Animal Conflict) હવે અત્યંત લોહીયાળ અને જોખમી સ્તરે પહોંચી ગયો છે. રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક બનેલી એક કાળજું કંપાવી દે તેવી ઘટનામાં એક સિંહણે પરપ્રાંતીય યુવકને પોતાનો શિકાર બનાવ્યો છે. આ ભયાનક બનાવથી સ્થાનિક ઉદ્યોગો અને વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકોમાં ફફડાટ ફેલાયો છે.


વતન જવાની ખુશી માતમમાં બદલાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરાખંડના વતની પ્રકાશ ચંદ્ર નામના યુવક કોવાયા ગામ પાસે આવેલા TPP પાવર પ્લાન્ટની સામે એક લોકલ હોટલ/રેસ્ટોરન્ટમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. લાંબા સમય પછી તેઓ પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે મોડી રાત્રે હોટલ પરથી સામાન લઈને રવાના થયા હતા. અંધારાનો લાભ લઈને હાઇવે અને સીમ વિસ્તારની નજીક ટાંપીને બેઠેલી એક હિંસક સિંહણે પ્રકાશ ચંદ્ર પર પાછળથી જોરદાર આક્રમણ કર્યું હતું. સિંહણે યુવકને ગળાના ભાગેથી પકડીને કચડી નાખ્યો હતો અને તે બૂમો પાડે તે પહેલાં જ તેને ઢસડીને નજીકના બાવળની ઝાડીઓ વાળા સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી.

માત્ર હાડકાંના અવશેષો જ મળ્યા

ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સિંહણ યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને તેનું આખું શરીર ખાઈ ગઈ હતી. સવારે જ્યારે સ્થાનિક લોકો તે વિસ્તારમાંથી પસાર થયા ત્યારે લોહીના ડાઘા અને માનવ શરીરના ટૂકડા જોતા જ લોકોના હોશ ઊડી ગયા હતા. શોધખોળ દરમિયાન સ્થળ પરથી માત્ર અડધું ખાધેલું માથું, ખોપરી અને પાસળીના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા. આ લોહીયાળ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને વનવિભાગ પ્રત્યે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

વનવિભાગની દોડધામ, સિંહણને પાંજરે પૂરવા કવાયત

ઘટનાની આક્રમકતા જોઈને રાજુલા રેન્જ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શૂટર્સ સહિતનો કાફલો તાત્કાલિક કોવાયા ટ્રેક પર દોડી ગયો હતો. ફોરેસ્ટ ટીમે મૃતકના બચેલા અવશેષોને કબ્જે કરીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા છે. જે સિંહણે આ માનવ શિકાર કર્યો છે તેને ટ્રેક કરવા માટે આધુનિક કેમેરા નાઈટ વિઝન ડ્રોન અને લાઈવ લોકેશન ટ્રેકિંગ શરૂ કરાયું છે. કોવાયા અને આસપાસના સીમ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે મોટા પાંજરા ગોઠવીને આ નરભક્ષી બનેલી સિંહણને વહેલી તકે કેદ કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેથી અન્ય કોઈ નાગરિક તેનો ભોગ ન બને.

આ પણ વાંચો:  Surat: ચોક બજાર દુષ્કર્મ કેસના આરોપીને કડક સજા, અંતિમ શ્વાસ સુધી જેલમાં સડશે નરાધમ

  • Follow us on: