સુરત શહેરમાં માસૂમ બાળાઓ અને મહિલાઓની સુરક્ષા સામે સવાલિયા ચિહ્નો ઊભા કરતી ઘટનાઓ વચ્ચે ન્યાયતંત્ર દ્વારા આવા રાક્ષસી માનસિકતા ધરાવતા તત્વોને પાઠ ભણાવતો એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં અગાઉ એક 4 વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે આરોપી અંકિત ગૌતમ તેની માસૂમિયતનો લાભ ઉઠાવી, ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ આ નરાધમે બાળકી સાથે હેવાનિયતની તમામ હદો વટાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં સુરતની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે આરોપીને સમાજ માટે કલંક ગણાવી કડક સજા સંભળાવી છે.


સુરત પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સામાન્ય રીતે આજીવન કેદની સજામાં 14 વર્ષ કે ચોક્કસ ગાળા બાદ માફીની અરજી કે વહેલી મુક્તિની જોગવાઈઓ હોતી હોય છે, પરંતુ નામદાર કોર્ટે આ કેસની ક્રૂરતા જોઈને ચુકાદામાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે આરોપી અંકિત ગૌતમ જ્યાં સુધી જીવતો રહેશે એટલે કે તેના શરીરના અંતિમ શ્વાસ સુધી તે જેલની અંદર જ રહેશે. તેને સામાન્ય કેદની કોઈ માફીનો લાભ મળશે નહીં. અદાલતે નોંધ્યું હતું કે 4 વર્ષની બાળકી પર આવું કૃત્ય કરનાર વ્યક્તિ સમાજમાં રહેવાને લાયક નથી.

પીડિતાને આર્થિક આશરો, વહીવટી પ્રક્રિયા શરૂ

કોર્ટે ચુકાદા દરમિયાન માત્ર સજા જ નથી ફટકારી, પરંતુ ભોગ બનનાર બાળકીના ભવિષ્ય, ભણતર અને તેના માનસિક આઘાત (ટ્રોમા) માંથી બહાર આવવા માટે મેડિકલ સહાયના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) ના માધ્યમથી રૂ. 10.50 લાખનું જંગી વળતર ચૂકવવાનો સરકારને આદેશ કર્યો છે. આ ઉપરાંત આરોપી અંકિત ગૌતમને રૂ. 10,000 નો રોકડ દંડ ફટકાર્યો છે, જો તે દંડ ન ભરે તો તેની સજાના ગાળામાં વધુ વધારો કરવામાં આવશે. ચોક બજાર પોલીસે વૈજ્ઞાનિક પુરાવા, ડીએનએ (DNA) રિપોર્ટ અને મેડિકલ ઓફિસર્સની કડક જુબાનીઓ સમયસર કોર્ટ સમક્ષ રજૂ કરી હોવાથી કેસ વહેલો ચાલ્યો હતો અને પીડિત પરિવારને ઝડપી ન્યાય મળ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: રબારી કોલોની પાસે મોડી રાત્રે અકસ્માત, કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો


  • Follow us on: