અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દક્ષિણ-પૂર્વ ઝોનમાં આવેલા વટવા વિસ્તારના 'ચાર માળીયા' આવાસ પંથકમાં આજે સવારે એકાએક આગ લાગવાની ઘટનાથી સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. આવાસ યોજનાના એક બ્લોકના મકાનમાંથી અચાનક ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો અને જોતજોતામાં આગની ભયાનક જ્વાળાઓએ આખા મકાનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. સવારના સમયે બનેલી આ ઘટનાને કારણે ઘરોમાં હાજર લોકો જીવ બચાવવા માટે નીચે ખુલ્લા મેદાન તરફ દોડ્યા હતા.


લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન તેજ

ચાર માળની આ ઈમારતોમાં અસંખ્ય પરિવારો વસવાટ કરે છે, જેના કારણે આગ લાગતાની સાથે જ બિલ્ડિંગના દાદરા (સીડીઓ) પર ધુમાડો ભરાઈ ગયો હતો. પરિણામે ઉપરના માળના કેટલાક રહિશો ત્યાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને સમજીને અમદાવાદ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ધોરણે વટવા અને નજીકના ફાયર સ્ટેશનથી 3 ફાયર ફાઇટર્સની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી હતી.

આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો 

ફાયર ફાયટિંગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા બિલ્ડિંગમાં ફસાયેલા બાળકો અને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન  શરૂ કર્યું છે. ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક અને ખાસ હથિયારો સાથે બિલ્ડિંગની અંદર પ્રવેશ્યા છે. બીજી તરફ, અન્ય ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના સખત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી આ ગીચ વિસ્તારના અન્ય મકાનો આગની ઝપેટમાં ન આવી જાય. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે, પરંતુ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. હાલમાં સ્થાનિક પોલીસ પણ વ્યવસ્થા જાળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: શિક્ષકો વિરુદ્ધ આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ મંત્રીએ માગી માફી


  • Follow us on: