અમદાવાદ મહાનગરપાલિકા હવે શહેરની હદની બહાર આવેલા વિસ્તારોમાંથી પણ આવક મેળવવા માટે કવાયત શરૂ કરી રહી છે. AMCના વહીવટી તંત્ર દ્વારા શહેરની હદથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના વાહનચાલકો પાસેથી પણ વાહનવેરો વસૂલવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંગે GPMC એક્ટની જોગવાઈઓ મુજબ અમલીકરણ કરવાની યોજના છે, જે અંતર્ગત હવે આ વિસ્તારોના લોકોએ પણ વાહન ખરીદી સમયે વધારાનો ટેક્સ ચૂકવવો પડી શકે છે.
AMCની રેવન્યુ કમિટી દ્વારા રાજ્ય સરકાર પાસે મંજૂરી મગાશે
આ નિર્ણયના અમલીકરણ માટે AMCની રેવન્યુ કમિટી દ્વારા રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગવામાં આવશે. હાલમાં અમદાવાદમાં જે વાહનોનું રજીસ્ટ્રેશન સુભાષબ્રિજ અને વસ્ત્રાલ RTO ખાતે કરવામાં આવે છે, તે વાહનો પર આ નવા ટેક્સનું ભારણ આવી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો તર્ક છે કે શહેરની આસપાસના વિસ્તારોમાં પણ રોડ-રસ્તા અને માળખાકીય સુવિધાઓ પાછળ પાલિકાના નાણાંનો જ ઉપયોગ થતો હોય છે, તેથી આ વિસ્તારના વાહનમાલિકો પાસેથી ટેક્સ વસૂલવો વ્યાજબી છે.
