સુરત જિલ્લાના બારડોલી અને આસપાસના પંથકમાં મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્તરે પડેલા ધોધમાર વરસાદ અને પાડોશી તાપી જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાંથી સતત પાણીની પુષ્કળ આવક થવાના કારણે મીંઢોળા નદી ગાંડીતૂર બનીને વહી રહી છે.
બારડોલીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
નદીના જળસ્તરમાં ઝડપથી થયેલા વધારાને કારણે પૂરના પાણી બારડોલી શહેરના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. ખાસ કરીને નદી કિનારાની નજીક આવેલા તલાવડી વિસ્તાર તેમજ બારડોલી કોર્ટની સામે આવેલા ખાડા વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને પણ માઠી અસર પહોંચી છે.

તલાવડી વિસ્તારના 50થી વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા
મીંઢોળા નદીના પાણી રહેણાંક સોસાયટીઓમાં ઘૂસી જતાં સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મળતી માહિતી મુજબ, એકલા તલાવડી વિસ્તારમાં જ 50થી વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જવાથી લોકોનો ઘરવખરીનો સામાન પલળી ગયો છે અને સ્થાનિકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.
https://www.instagram.com/reel/DaiAde9EY1W/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
પૂરની ગંભીર સ્થિતિ જોતાં તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ
વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થતાં જ બારડોલી વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. પૂરના પાણી સતત વધી રહ્યા હોવાથી કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પાલિકા અને આપત્તિ પ્રબંધનની ટીમોએ અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.

નદી કિનારાના ગામો અને વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના
હવામાન વિભાગની આગાહી અને ઉપરવાસની સ્થિતિ જોતાં મીંઢોળા નદીનું જળસ્તર હજુ પણ વધી શકે તેમ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે વસતા તમામ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી રીતે નદી તરફ ન જવા કડક સૂચના અપાઈ છે.
આ પણ વાંચો - Monsoon 2026: સુરતમાં પૂરની ભયાવહ સ્થિતિ,શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર બોટમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા