ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોડ અને રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ બાદ અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈને બંધ થઈ ગયા હતાં. બેઝમેન્ટ અને પાર્કિંગમાં ઉભેલા વાહનોમાં પણ પાણી ઘૂસતા ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં પણ આ પ્રકારની સ્થિતિ સામે આવી છે. વરસાદ બાદ ગેરેજ સંચાલકો અને વાહન ચાલકો બંને મુશ્કેલીમાં મુકાયા છે. માત્ર વલસાડ નહીં પણ રાજ્યના અનેક શહેરોમાં ગેરેજ અને સર્વિસ સ્ટેશનોમાં વાહનોની સર્વિસ માટે લાઈનો લાગેલી જોવા મળી રહી છે. પાણીમાં વાહનને ચલાવ્યા બાદ તેના કયા સ્પેરપાર્ટ્સને નુકસાન થાય છે અને વાહનમાં સૌથી વધુ ખર્ચો કયા પાર્ટ્સના રિપેરિંગ પાછળ થાય છે તે અંગે સંદેશ ડિજિટલ દ્વારા અમદાવાદ શહેરના વાહન એક્સપર્ટ સાથે વાત કરવામાં આવી હતી.
કારના ટાયર લેવલ સુધી કાર પાણીમાં લઈ જઈ શકાય
અમદાવાદમા ઓટો એક્સપર્ટ અક્ષય મકવાણાએ સંદેશ ડિજિટલને કહ્યું હતું કે, જ્યારે પણ પાણી ભરાયેલું હોય ત્યારે કાર પાણીમાં લઈ જતાં વિચાર કરવો જરૂરી છે. કારણ કે કારમાં એવા પ્રકારના મોડ્યુલ્સ આવેલા હોય છે જે શોર્ટ થવાના ચાન્સ વધુ હોય છે. આ ઉપરાંત કારના સાયલેન્સરમાં પાણી જાય તો નુકસાન થવાનું જ છે. આ ઉપરાંત એર ફિલ્ટરમાં પાણી આવે તો તે એન્જિન સુધી પહોંચી જાય છે. જેને કારણે એન્જિનને મોટું નુકસાન થાય છે. કારની અંદર પાણી પ્રવેશે તો કારની અંદરના અલગ અલગ સ્પેરપાર્ટ્સ પર નુકસાનની અસર થાય છે. વાહન ચાલકોએ વરસાદી પાણીમાં વાહન નાંખતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. જયાં પણ પાણી ભરાયેલું હોય ત્યાં કારના ટાયર લેવલ સુધી કાર પાણીમાં લઈ જઈ શકાય છે. પણ જો ટાયરના લેવલથી ઉપર સુધી પાણી હોય તો વાહન ચાલકોએ સાવધાની રાખવી જરૂરી છે. જ્યારે પણ સ્પોટ પર ભરાયેલા પાણીમાં ગાડી બંધ થઈ જાય તો તેનો એક ફોટો લઈ લેવો જરૂરી બને છે. જેથી કોઈ વિમા કંપની બ્લેમ ના કરી શકે.


