અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આવેલા વ્યસ્ત રહેણાંક વિસ્તાર વેજલપુરની અમી કૃપા સોસાયટીમાંથી આજે એક હૃદયધબકારો ચૂકી જવાય તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક રહેણાંક મકાનની છત અને આગળનો બાલકની (ગેલેરી) નો જર્જરિત ભાગ અચાનક મોટા અવાજ સાથે તૂટી પડ્યો હતો. મકાનનો તોતિંગ સ્લેબ નીચે પડતાં જ આખી સોસાયટીમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો હતો.

અવાજ સાંભળી દોડી આવ્યા સ્થાનિકો

ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસના ઘરોમાં રહેતા લોકો પોતાના ઘર છોડીને તાત્કાલિક શેરીમાં અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે સમયે આ ઘટના બની ત્યારે સદનસીબે તે ગેલેરીની નીચે કે બાલકનીમાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, જેના કારણે એક બહુ મોટી જાનહાનિ અને માનવીય હોનારત ટળી ગઈ છે. જોકે, આ દુર્ઘટના બાદ સોસાયટીના અન્ય રહીશોમાં પોતાના મકાનોની મજબૂતાઈને લઈને ભારે ફફડાટ અને ડર વ્યાપી ગયો છે.

કાટમાળ હટાવવાની કામગીરી તેજ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, કાઉન્સિલર અને કોર્પોરેશનનો સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડની ટીમ તુરંત અમી કૃપા સોસાયટી ખાતે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા ઘટનાસ્થળની આજુબાજુ સુરક્ષા કવચ ઊભું કરીને, રસ્તા પર પડેલો પથ્થરો અને સિમેન્ટના સ્લેબનો ભારે કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ મનપાના ઇજનેરી વિભાગ દ્વારા મકાનના બાકીના જોખમી ભાગને પણ ઉતારી લેવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ અકસ્માત ન નડે.

આ પણ વાંચો: Patan: સાયબર ફ્રોડના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, રૂા. 7,000 માં બેંક ખાતા ભાડે રાખતો મુખ્ય દલાલ નિલેશ રાઠોડ ઝડપાયો