વિરમગામથી સુરેન્દ્રનગરને જોડતા સ્ટેટ હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને ઓવરટેકિંગના કારણે અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે વિરમગામ હાઈવે પર આવેલા થોરીમુબારક ગામની સીમમાં અને નર્મદા કેનાલના વળાંક નજીક કાળજું કંપાવી દેતો એક ત્રિપલ અકસ્માત લાઈવ નોંધાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલી કાર, પેસેન્જર રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં વાહનોના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
પરિવારનો મોભી છીનવાયો
આ ભયાનક ટક્કરમાં પોતાના મોટરસાયકલ પર સવાર થઈને પસાર થઈ રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સાકળ ગામના લાભુભાઈ ગીધાભાઈ મકવાણા (ઉ.વ. 35) રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે જીવલેણ ઇજાઓ થઈ હતી. વધુ પડતું લોહી વહી જવાના કારણે લાભુભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું લાઈવ મોત નીપજ્યું હતું. 35 વર્ષના આશાસ્પદ યુવાનના મોતના સમાચાર સાકળ ગામે પહોંચતા જ મકવાણા પરિવારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.










