ગુજરાતમાં નવરાત્રિની આજથી શરૂઆત થઈ ગઈ છે. બીજી બાજુ દિવાળી વેકેશનનો સમય પણ નજીક આવી રહ્યો છે. આ પહેલા ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં હાઉસ ફૂલ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરત સહિતના શહેરમાંથી વતન જવા માંગતા પરપ્રાંતિય લોકોને તહેવારોમાં ટ્રેનની ટિકિટની અછત સાથે વિમાનના ઊંચા ભાડાંનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

મુસાફરો માટે મોટી મુશ્કેલી બની શકે છે

આગામી દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોમાં પરિવાર સાથે વતન જવાની તૈયારી કરતા અમદાવાદના મુસાફરો માટે રેલવે ટિકિટ મેળવવી અત્યારથી જ પડકારરૂપ બન્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તરફ જતી કેટલીક ટ્રેનોમાં અત્યારથી 100થી 250 સુધીનું વેઇટિંગ પહોંચી ગયું છે.અમદાવાદથી ગોરખપુર, વારાણસી, લખનઉ, દિલ્હી કટરા સહિતના સ્થળોએ જવા માટે સ્લીપર ક્લાસમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. જે દિવાળી વેકેશનમાં બહારગામ ફરવા જનારા મુસાફરો માટે મોટી મુશ્કેલી બની શકે છે.

હવાઈ ભાડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે

તહેવારો દરમિયાન મુસાફરોની વધતી માગ અને મર્યાદિત બેઠકોને કારણે હવાઈ ભાડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.ઉપલબ્ધ ઓનલાઈન ભાડાની વિગતો મુજબ,અમદાવાદથી વારાણસીની એક તરફની હવાઈ મુસાફરીનું ભાડું ઓક્ટોબરની કેટલીક તારીખોએ આશરે 6000થી 10000ની આસપાસ દર્શાવાઈ રહ્યું છે.જોકે નવેમ્બરની શરૂઆતમાં કેટલીક તારીખોએ આ ભાડું વધીને 19000થી વધુ દર્શાવાયું છે.અમદાવાદથી પટના જતી ફ્લાઈટમાં પણ નવેમ્બરની કેટલીક તારીખોએ એક તરફનું ભાડું 20000થી વધુ જોવા મળે છે.આ સ્થિતિમાં ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન મળતાં વિમાનનો વિકલ્પ પસંદ કરનારા મુસાફરોનું બજેટ ખોરવાઈ શકે છે.

આ પણ વાંચોઃ Rajkot: નાના મવા સર્કલે AQI 300 ને પાર પહોંચતાં રેડ એલર્ટ જેવી સ્થિતિ, શહેરીજનોના શ્વાસ રુંધાયા!