ગુજરાતમાં અધિકારીઓ અને અરજદારો વચ્ચે ઘર્ષણ થવાના બનાવો સતત પ્રકાશમાં આવતા રહે છે. તાજેતરમાં પાટણ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરે એક અરજદારનો મોબાઈલ ફોનને નુકસાન પહોંચાડી હાથ ઉપાડ્યો હોવાની ઘટના સામે આવી હતી અને તેમા ચીફ ઓફિસર સામે ગુનો નોંધાયો હતો. હવે આવો એક બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં AMC પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ટીડીઓનું અસભ્ય વર્તન સામે આવ્યું છે.
મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાંથી વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને અધિકારીઓની મનમાની ઉજાગર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (TDO) મહેશકુમાર તબિયાડ દ્વારા કચેરીમાં રજૂઆત માટે આવેલા અરજદારો અને NSUIના કાર્યકર્તાઓ સાથે અસભ્ય વર્તન કરીને જાહેરમાં હાથપાઈ કરવામાં આવી હોવાનો મામલો સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં AMCના ઉચ્ચ અધિકારીઓથી લઈને રાજકીય બેડામાં હલચલ મચી ગઈ છે.
કચેરીમાં રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો
શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો મુદ્દે છેલ્લા દોઢ મહિનાથી AMC સમક્ષ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ સંતોષકારક નિકાલ કે કાર્યવાહી કરવામાં આવી નહોતી. લાંબા સમયથી પ્રશ્નનો ઉકેલ ન આવતા ગઈકાલે NSUIના કાર્યકર્તાઓ અને સ્થાનિક અરજદારો પશ્ચિમ ઝોન કચેરી ખાતે ડેપ્યુટી ટીડીઓને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. કચેરીમાં રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને ચર્ચા ઉચ્ચ સ્તરે પહોંચી હતી. જે દરમિયાન ડેપ્યુટી ટીડીઓ મહેશકુમાર તબિયાડ પોતાનો કાબૂ ગુમાવી બેઠા હતા અને રજૂઆત કરવા ગયેલા યુવાનો સાથે ઉગ્ર બોલાચાલી કરી હાથપાઈ પર ઉતરી આવ્યા હતા.
કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માગ
અધિકારી દ્વારા જ કચેરીની અંદર અરજદારો પર હાથપાઈ કરવામાં આવતા આખો મામલો ભારે વિવાદાસ્પદ બન્યો હતો. ઘટનાસ્થળે હાજર અન્ય લોકો દ્વારા આ સમગ્ર અસભ્ય વર્તન અને મારામારીની પળોને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ ગયો છે. જવાબદાર અધિકારીની આવી દાદાગીરી અને જોહુકમી સામે નાગરિકો અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હાલ તો આ વાયરલ વીડિયોના આધારે ઉચ્ચ સ્તરે તપાસ થાય અને દોષિત અધિકારી સામે કડક ખાતાકીય તેમજ કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : હવે પંચવટી ફ્લાયઓવરની ડિઝાઈન વિવાદમાં, મનસ્વી નિર્ણયથી ભયંકર ટ્રાફિક જામની ભીતિ