ગુજરાતના ડાંગ જિલ્લાના રાજકારણમાં બહુ મોટી ઉથલપાથલ સર્જાઈ છે. ભાજપ શાસિત ડાંગ જિલ્લા પંચાયતમાં ગત ટર્મ દરમિયાન સિંચાઈ સમિતિના ચેરમેન (અધ્યક્ષ) તરીકે મહત્ત્વની જવાબદારી સંભાળી ચૂકેલા પાયાના રાજકીય નેતા હરેશ બચ્છાવને ભાજપે પક્ષમાંથી હોકાપાણી બંધ કરી દીધા છે. ગેરશિસ્ત અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓની ગંભીર ફરિયાદો પ્રદેશ સંગઠન સુધી પહોંચ્યા બાદ ભાજપે પોતાની ઓળખ સમાન 'શિસ્તબદ્ધ પક્ષ' ની છબી જાળવી રાખવા માટે આ આકરો નિર્ણય લીધો છે.
મૂળ કોંગ્રેસી હોવા છતાં ભાજપે આપ્યું હતું મોટું પદ
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, હરેશ બચ્છાવ મૂળ કોંગ્રેસ પક્ષના પીઢ નેતા હતા. આશરે પાંચ વર્ષ પહેલાં ડાંગ જિલ્લામાં કોંગ્રેસના જૂથવાદથી કંટાળીને અથવા તો સત્તાધારી પક્ષના પ્રભાવ હેઠળ તેઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો પંજો છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે પણ તેમને આવકારીને સંગઠનમાં મોટું સ્થાન આપ્યું હતું અને જિલ્લા પંચાયતમાં સિંચાઈ સમિતિના અધ્યક્ષ જેવું મહત્ત્વનું પદ સોંપ્યું હતું. જો કે, છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ભાજપના મૂળ કાર્યકરો અને હરેશ બચ્છાવ વચ્ચે આંતરિક ખટરાગ ચાલતો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.










