માં અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 સુધી યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ સાત દિવસીય મહામેળામાં ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી માતાના દર્શનાર્થે પદયાત્રા કરીને આવે છે.આ મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. માં અંબાના ભક્તો માટે મંદિર ટ્રસ્ટ તરફથી એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. માં અંબાના મંદિરના શીખર પર ચઢાવવામાં આવતી 52 ગજની ધજા હવે નહીં ચઢાવી શકાય.
ધજા માટે અગાઉ લેવાયેલો નિર્ણય યથાવત
અંબાજી મંદિરમાં અગાઉ લેવાયેલો મહત્વનો નિર્ણય આગામી ભાદરવી પૂનમ મહામેળામાં પણ સંપૂર્ણપણે યથાવત રાખવામાં આવશે. જેથી શ્રદ્ધાળુઓ નિયમોનું પાલન કરીને સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે.ધજા દંડ અને યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા 5 મીટરથી મોટી ધજા મંદિરના શિખર પર ચડાવવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે, અને માનતા મુજબ મોટી ધજા લાવનાર યાત્રિકોની ધજા સીધી માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને ૫ મીટરથી મોટી ધજા શિખર માટે ન લાવવા અનુરોધ કરાયો છે તેમજ શ્રદ્ધાની ધજાનું સન્માન જાળવી તેની પવિત્રતા સુરક્ષિત રહે તથા ધજા જમીન પર ન ઢસડાય તેનું વિશેષ ધ્યાન રાખવા તાકીદ કરાઈ છે.
