બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના 7 દિવસીય મહાકુંભનો શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે પ્રારંભ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા મંદિરના સિંહ દ્વારથી રથને પ્રયાણ કરાવીને આ મહામેળાને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવશે. આ 7 દિવસ દરમિયાન મા અંબાના દર્શનાર્થે દેશ-વિદેશ અને રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને માઈભક્તો અંબાજી ધામ ખાતે ઉમટી પડશે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

6,000થી વધુ જવાનોનો કડક સુરક્ષા બંદોબસ્ત અને ભક્તો માટે સુવિધાઓ

ભાદરવી મહાકુંભ દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવી છે. મહામેળાની સુરક્ષા અર્થે 2 SP, 25 DySP સહિત PI, PSI અને 6,000થી વધુ પોલીસ જવાનો રાત-દિવસ ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત પદયાત્રીઓ માટે પીવાના પાણી, આરોગ્ય સુવિધાઓ, લાઈટ અને રહેવાની સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી ભક્તોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

શ્રદ્ધાળુઓ માટે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન સેવા શરુ

અંબાજી ભાદરવી મહાકુંભમાં આવતા લાખો ભક્તોની સુવિધા માટે રેલવે વિભાગ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે અસારવા થી ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન સેવા શરુ કરવામાં આવી છે, જે 1 ઓક્ટોબર સુધી દરરોજ દોડશે. આ ટ્રેનમાં મુસાફરોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને વધારાના કોચ પણ જોડવામાં આવશે, જેથી યાત્રિકો સુગમતાથી મુસાફરી કરી શકશે અને અંબાજી પહોંચી શકશે.

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતમાં આજે TAT માધ્યમિકની મુખ્ય પરીક્ષા, 5 શહેરોના 403 કેન્દ્રો પર 75 હજાર ઉમેદવારો આપશે કસોટી