શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રિના પવિત્ર મહાપર્વના પ્રથમ દિવસે જ લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે, પરંતુ વહીવટી તંત્રની નબળી વ્યવસ્થાઓના કારણે યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અંબાજીમાં ગબ્બરથી લઈને દાંતા સર્કલ સુધીના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનો રસ્તા પર જ થંભી ગયા હતા. તહેવારના પહેલા જ દિવસે સર્જાયેલી આ અરાજકતાથી દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

છેલ્લા 4 કલાકથી ટ્રાફિકમાં ફસાયા યાત્રિકો

મળતી માહિતી મુજબ, અંબાજી આવતા માર્ગો પર ટ્રાફિકની ગંભીર સમસ્યાના કારણે યાત્રિકો છેલ્લા 4 કલાકથી વધુ સમયથી ટ્રાફિકમાં ફસાયેલા છે. તહેવારોની સિઝનમાં ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતી પોલીસ ટીમ કે ટ્રાફિક જવાનો તૈનાત ન હોવાને કારણે વાહનોની અનિયમિત અવરજવરથી પરિસ્થિતિ વધુ વણસી હતી. પોલીસ પ્રશાસનની ઘોર બેદરકારી અને આયોજનના અભાવને કારણે ભક્તોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

યાત્રિકો જાતે રસ્તા પર ઉતરી ટ્રાફિક સંભાળવા મજબૂર 

સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસ કે ટ્રાફિક જવાનો મદદ માટે ન આવતા આખરે કંટાળેલા યાત્રિકો અને વાહનચાલકો જાતે જ રસ્તા પર ઉતરીને ટ્રાફિક ક્લિયર કરવાની ફરજ પડી હતી. માઈભક્તોએ પોતાના હાથે દોરડાં અને વાહનો હટાવીને રસ્તો ચાલુ કરાવ્યો હતો. અંબાજીમાં નવરાત્રિના પર્વ પર જ પોલીસ વિભાગની આ નબળી કામગીરી અને નિષ્ક્રિયતા સામે શ્રદ્ધાળુઓએ ઉગ્ર સવાલો ઉઠાવ્યા છે અને આગામી દિવસોમાં કડક વ્યવસ્થાઓ ગોઠવવાની માગ કરી છે.

આ પણ વાંચો : Banaskantha News : કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના ચેરમેનની ઉપસ્થિતિમાં અંબાજી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના, નવ દિવસ સુધી ચાલશે અનુષ્ઠાન