શક્તિપીઠ અંબાજી મંદિરમાં શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો અત્યંત ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં પ્રારંભ થયો છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ સમગ્ર અંબાજી ધામ માં અંબાના જયનાદો અને આધ્યાત્મિક માહોલમાં ગુંજી ઉઠ્યું હતું. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ-વિધાન સાથે મંદિરમાં ઘટસ્થાપન વિધિ મંગલમય વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેનની ઉપસ્થિતિમાં વિશેષ પૂજા

આ પવિત્ર પૂજા વિધિમાં બનાસકાંઠા કલેક્ટર તથા મંદિર ટ્રસ્ટના ચેરમેન વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિધિવત રીતે માતાજીની ચરણોમાં પૂજા-અર્ચના કરી હતી. આદિકાળની સનાતન પરંપરા મુજબ મંદિરમાં પવિત્ર ઝવેરા વવવામાં આવ્યા હતા. ઘટસ્થાપન બાદ માતાજીની દૈનિક આરતી સંપન્ન થઈ હતી અને ત્યારબાદ ઝવેરાની વિશેષ આરતી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર મંદિર પરિસર દિવ્યતાથી છલકાઈ ઉઠ્યું હતું.

ભક્તિમય બન્યો અંબાજી પંથક

આગામી નવ દિવસો સુધી અંબાજી શક્તિપીઠ ખાતે જગદંબાની આરાધના માટે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો, મહાપૂજા અને વિશેષ પૂજા-અર્ચનાઓ યોજાશે. દેશ-વિદેશથી અંબાજી ધામમાં દર્શનાર્થે આવતા લાખો માઈભક્તો કોઈ પણ અગવડ વિના નિર્ભય અને શ્રદ્ધાસભર વાતાવરણમાં માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ ઉત્તમ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Mehsana News : શક્તિપીઠ બહુચરાજીમાં નવરાત્રિનો ભવ્ય પ્રારંભ, પ્રથમ નોરતે વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ ઘટસ્થાપન વિધિ!