બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા કુંભારિયા ગ્રામ પંચાયતની સરકારી અને કિંમતી જમીન પચાવી પાડવાનું એક અત્યંત ચોંકાવનારું અને મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કરોડો રૂપિયાના જમીન કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આખા મામલાની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે ની રચના કરી દીધી છે. કલેક્ટરના આ કડક વલણને પગલે ભૂમાફિયાઓ અને કૌભાંડી અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


SIT માં 4 ઉચ્ચ અધિકારીઓની નિમણૂક

કલેક્ટર દ્વારા રચવામાં આવેલી આ SIT માં 4 ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં અધિક કલેક્ટર, દાંતા પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને અધિક ચીટનીશ ટુ કલેક્ટરનો સમાવેશ થાય છે.

2014માં મૃત્યુ પામેલ મહિલાના નામે 2015માં દસ્તાવેજ

આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી કે વર્ષ 2014માં મૃત્યુ પામેલી એક મહિલાના નામે તેના મરણના એક વર્ષ બાદ એટલે કે વર્ષ 2015માં બોગસ દસ્તાવેજો ઊભા કરીને જમીનની હેરફેર કરવામાં આવી હતી. આ મામલો બહાર આવતા જ કુંભારિયા ગ્રામ પંચાયત પાસેથી તમામ રેકોર્ડ મેળવીને વર્તમાન તલાટીને સોંપી દેવામાં આવ્યા છે.

 સબ-રજિસ્ટ્રાર કચેરી પાસેથી સત્તાવાર રિપોર્ટ માંગ્યો

કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે દાંતા પ્રાંત અધિકારીએ વર્ષ 2014-15દરમિયાન થયેલા તમામ શંકાસ્પદ દસ્તાવેજોની વિગતો અંગે સબ-રજિસ્ટ્રાર કચેરી પાસેથી સત્તાવાર રિપોર્ટ માંગ્યો છે. આ સમગ્ર કાળા કારસ્તાનમાં તત્કાલીન તલાટી, દસ્તાવેજ નોંધણી અધિકારી અને કલેક્ટર કચેરીના કેટલાક કર્મચારીઓ પણ સીધા શંકાના દાયરામાં આવી ગયા છે.

અગાઉ થયેલા જમીનના મામલાઓ પર પણ ખાસ નજર રાખવા માટે કડક આદેશ

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે દાંતા, હડાદ અને અમીરગઢ વિસ્તારમાં અગાઉ થયેલા જમીનના મામલાઓ પર પણ ખાસ નજર રાખવા માટે કડક આદેશો આપ્યા છે. દાંતા પ્રાંત કચેરીમાં રેવન્યુ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજવામાં આવી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?

  • Follow us on: