શક્તિપીઠ અંબાજી મંદિરમાં પૂજારીઓને થતો અન્યાય ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. જેમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પૂજારીઓને યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે મુખ્યમંત્રીને તો રજૂઆત કરી છે પરંતુ આજે મંદિર ટ્રસ્ટના ચેરમેને કલેકટરને પણ આ અંગે રજૂઆત કરી હતી અને ન્યાયની માંગ કરી છે. જોકે આ પૂજારીઓને ન્યાય નહીં મળે તો ના છૂટકે મંદિર ટ્રસ્ટ સામે કોર્ટમાં જવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.


ગેટ નંબર સાતથી પ્રવેશ મળવો જોઈએ તે પ્રવેશ બંધ

અંબાજી મંદિરમાં વર્ષોથી પરંપરા મુજબ મંદિર ટ્રસ્ટના ભૂદેવો યાગ્નિક વિપ્ર મંડળ ગુજરાત અને દેશભરમાંથી આવતા લાખો માઈભક્તોને હોમ હવન અને પૂજા થકી આશીર્વાદ આપવાની પરંપરા વર્ષોથી ચાલાવી રહ્યા છે. પરંતુ વર્તમાન સમયમાં હવે આ મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને પૂજા કરાવી અને આશીર્વાદ આપતા પૂજારીઓને અગવડ પડી રહી છે. મંદિર ટ્રસ્ટ લાગણી દુભાવતા નિયમો બનાવીને મનસ્વીપણે વર્તન કરતા હોવાની રજૂઆત થઈ છે.જે પૂજારીઓ વર્ષોથી ચાચર ચોકમાં પૂજા કરાવે છે તેમને સુરક્ષાના બહાના હેઠળ પ્રવેશ નથી અપાતો.ગેટ નંબર સાતથી પ્રવેશ મળવો જોઈએ તે પ્રવેશ બંધ પણ કરી દેવાયો છે.

માતાજીનું દેવસ્થાન ટ્રસ્ટ એક પબ્લિક ટ્રસ્ટ છે

જ્યારે માતાજીનું દેવસ્થાન ટ્રસ્ટ એક પબ્લિક ટ્રસ્ટ છે અને આ પબ્લિક ટ્રસ્ટ હોવા છતાં તેમાં માત્ર સાત અધિકારીઓ છે. જેમાં પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા જોઈએ તેમનો સમાવેશ નથી કરાયો એટલે કે ધારાસભ્ય અને અંબાજી સરપંચનો સમાવેશ થવો જોઈએ પરંતુ તે નથી કરાયો. ક્યાંક ને ક્યાંક તંત્રની નીતિથી મંદિરના ખોટા નિયમોથી પૂજારીઓના બે ભાગ પડે અને ઘર્ષણ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પૂજારી ધજા ચડાવવા જાય તો તેની સાથે અન્યાય થતો હોવાના આક્ષેપો કરાયા છે.

ટેમ્પલ ઈન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડે છે

જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા ઢોલ નગારા સાથે ધ્વજા ચડાવવા માટે મંજૂરી આપવામાં આવે છે તેમના ફોટા પાડવામાં આવે છે પરંતુ જ્યારે આ પૂજારીઓ જાય ત્યારે તેમને નિયમો બતાવવામાં આવે છે. મંદિરમાં આવતા જે માઈભક્તો છે તેમને યાજ્ઞિક વિપ્રમંડળ કે જે હવન શાળામાં હવન કરાવે છે અને તેના માટે પાવતી લેવી પડે છે આ પાવતીમાં પણ હેરાનગતિ થાય છે ત્યારે તેમની માંગ છે કે આ પાવતી પ્રથા બંધ થવી જોઈએ. મંદિરમાં બ્રાહ્મણ ફરજ નથી બજાવતા અને બ્રાહ્મણ સિવાયના જે લોકો છે તેઓ બ્રાહ્મણોને પોતાનું ગોત્ર પૂછી અને અપમાન કરે છે. ત્યારે મંદિરમાં કોઈપણ વિધિ કરાવવા માટે હોમ હવન યજ્ઞ માટે ટેમ્પલ ઈન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડે છે જે ખૂબ અયોગ્ય છે.

બ્રાહ્મણ વિધિ કરાવે તો એમાં કોઈની મંજૂરી લેવાની ન હોય

શાસ્ત્રો પ્રમાણે અને બ્રાહ્મણના અધિકાર પ્રમાણે બ્રાહ્મણ વિધિ કરાવે તો એમાં કોઈની મંજૂરી લેવાની ન હોય. શ્રદ્ધાળુ માટે સૌથી મહત્વની બાબતે છે કે જે મંદિર પર ધજા ચઢાવવામાં આવે છે એ ધજા ના માપ પ્રમાણે મંદિર ટ્રસ્ટ પૈસા લેતું હોય છે એટલે કે આ ધજામાં પણ વેપારીકરણ થયું છે અને એ અટકવું જોઈએ ત્યારે બ્રાહ્મણોનો મહત્વનો મુદ્દો એ છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરમાં આઉટસોર્સિંગથી પૂજા વિધિ બ્રાહ્મણોનો વહીવટી સ્ટાફ અને વકીલ સહિતની ટેન્ડર પ્રક્રિયાની જાહેરાત થઈ છે ત્યારે બ્રાહ્મણોના આ કર્મમાં આ પ્રકારનું ટેન્ડરિંગ પ્રક્રિયા એ કેટલે અંશે વ્યાજબી છે અને જેને લઈને અત્યારે જે વિપ્રમંડળ છે તેઓએ મુખ્યમંત્રી લને રજૂઆત કરી છે સાથે સાથે ચેરમેન કલેકટરને પણ આજે રજૂઆત કરી છે અને આજે ટેન્ડર પ્રક્રિયા છે એ તાત્કાલિક રદ કરવા માંગ કરી છે.

અંબાજી મંદિરનો વહીવટ વિવાદમાં આવી ચૂક્યો છે

અંબાજી વિપ્ર મંડળના ડામરાજી રાજગોરે કહ્યું હતું કે, અંબાજી યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા આજે કલેકટરને રજૂઆત કરાઈ છે.અંબાજી મંદિરમાં જે પૂજારીઓ છે તેઓએ ગેટમાં પ્રવેશ બાબતે અને યજ્ઞ હવન હોમ તેમજ ધજા ચડાવવાના મુદ્દા સહિત તમામ બાબતે આજે રજૂઆત કરી છે. પરંતુ આ તમામ મુદ્દાઓને લઈને સરકાર સાથે પરામર્શ કર્યા બાદ આ મુદ્દાઓ ઉપર વિચાર કરવામાં આવશે. અંબાજી મંદિરમાં ચેરમેન કલેકટર છે પરંતુ મંદિરની અંદર અને બહાર તમામ બાબતોને જોવાની જવાબદારી વહીવટદારની છે. અગાઉ પણ આ વહીવટદારોને કારણે અંબાજી મંદિરનો વહીવટ વિવાદમાં આવી ચૂક્યો છે અને હવે અંબાજી મંદિરના ચાચર ચોકમાં અથવા તો અંબાજી મંદિરના પ્રાંગણમાં જો પંડિતો હેરાન થતા હોય તો ચોક્કસ આ અંગે વહેલી તકે નિર્ણય લેવાય તે જરૂરી છે.નહિતર આગામી દિવસોમાં વિવાદ વધે તેવી શક્યતાઓ છે.

  • Follow us on: