આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે વિધિવત પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે મા અંબાના દિવ્ય રથનું વિધિવત પૂજન-અર્ચન કરી ભાદરવી પૂનમ મહામેળો ખુલ્લો મુક્યો હતો. મહામેળાના પ્રથમ દિવસે જ અંબાજી ધામમાં માઈભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળતાં સમગ્ર અંબાજી જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.દેશના વિવિધ વિસ્તારોમાંથી મા અંબાના દર્શન માટે આવેલા માઈભક્તોના કારણે અંબાજી ધામ જાણે શ્રદ્ધાના માનવમહેરામણમાં પરિવર્તિત થયું હતું.
માતાજીનો જયઘોષ ભક્તિની અનોખી અનુભૂતિ
મા અંબા પ્રત્યેની અતૂટ આસ્થા અને મનોકામના પૂર્ણ થવાની શ્રદ્ધા સાથે માઈભક્તો પગપાળા તેમજ વિવિધ વાહનો મારફતે અંબાજી ધામે પહોંચ્યા હતા.પ્રથમ દિવસથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.હાથમાં માતાજીની ધજા, હોઠ પર “જય અંબે”નો જયઘોષ અને હૃદયમાં મા અંબાના દર્શનની ભાવના સાથે હજારો ભક્તો ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.વર્ષોથી લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે અંબાજી ધામની પાવન ભૂમિ પર આવે છે. અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાજીના આશીર્વાદ લેવા આવે છે. મંદિર પરિસરથી લઈને વિવિધ માર્ગો પર ભક્તોની લાંબી કતારો અને ચોતરફ સંભળાતો માતાજીનો જયઘોષ ભક્તિની અનોખી અનુભૂતિ કરાવી રહ્યો છે.
