અંબાજીના દાંતા તાલુકામાં આવેલા પ્રખ્યાત ઘરેડા વોટરફોલ પર લોકો જીવના જોખમે સેલ્ફી લઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ વિસ્તારમાં 100 ફૂટ ઊંચેથી વહી રહેલા ધોધના પહાડો પર ચઢીને યુવાનો જોખમી રીતે સેલ્ફી અને વીડિયો લઈ રહ્યા હતા. તાજેતરમાં જ પાણિયારી ધોધ ખાતે એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ પણ થયું હતું. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા આ ધોધ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં ઘરેડા વોટરફોલ પર લોકોની બેદરકારી યથાવત છે.


પોતાના જીવના જોખમે સેલ્ફી લેવાનો મોહ વધતો જઈ રહ્યો છે

આજે જ માઉન્ટ આબુ ખાતે પણ એક યુવકનું સેલ્ફી લેતા 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી કરુણ મોત થયું હતું. આવી દુર્ઘટનાઓ સામે આવતાં પણ યુવાનો અને બાળકોમાં જોખમી સેલ્ફી લેવાનો મોહ ઓછો થતો નથી. આજના સમયમાં સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો અપલોડ કરવાના ક્રેઝને કારણે યુવાનો કોઈપણ જોખમ ઉપાડવા તૈયાર થઈ જતા હોય છે. પહાડી વિસ્તારો અને ધોધ જેવા કુદરતી સ્થળોએ સુંદર ફોટા લેવા માટે તેઓ પોતાની સુરક્ષાને અવગણીને જીવના જોખમે સેલ્ફી લોવા પહોંચી જતા હોય છે.

આવી ઘટનાઓ અટકાવવા સખત પગલાં લેવા જરૂરી બન્યા છે

ઘરેડા વોટરફોલ પહાડોની વચ્ચેથી વહે છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો નાહવા અને મનોરંજન માટે આવતા હોય છે. પરંતુ આ અસામાન્ય દ્રશ્યોને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના થવાનો ભય રહતો હોય છે. આવી ઘટનાઓને અટકાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સખત પગલાં લેવા જરૂરી બન્યા છે. માત્ર થોડીક લાઇક્સ કે વ્યુઝ માટે પોતાના જીવનનું જોખમ ઉઠાવવું એ અયોગ્ય છે. આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે લોકોએ વધુ જાગૃત થવાની જરૂર છે.


  • Follow us on: